માલિકે મિત્રને ત્યાં કાર મૂકી, પછી ભૂલી ગયા, ચોરીની ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ ‘ઊલમાંથી ચૂલમાં’, કહેવતનો અર્થ સમજવામાં પોશ વિસ્તારમાં રહેતા ભાવેશ ચાવડા અને એસ.જી હાઇવે પર ગેરેજ ચલાવતા જપન શાહને પોલીસ સ્ટેશન અને કોર્ટ- કચેરીના ધક્કા ખાવા પડ્યા! બન્યું એવું કે ભાવેશભાઈની કારની ડિકીને નુકસાન થયું હતું. એટલે તેમણે 15 ફેબ્રુઆરીએ એસ. જી હાઇવે પરના ‘સિક્યોર ઓટો ગેરેજ’માં રિપેરિંગ કરાવવા આપી. ગેરેજ માલિક જપનભાઇએ કાર લઇ લીધી,

પણ જગ્યાના અભાવે 20 ફેબ્રુઆરીએ મિત્ર શાહનવાઝના ગેરેજમાં મોકલાવી દીધી.બીજા દિવસે જપનભાઇ આ વાત જ ભૂલી ગયા, કાર ચોરાઈ ગઈ’ ભાવેશભાઈ ધૂંઆપૂંઆ થતાં ગેરેજ પર દોડ્યા. જપનભાઇ પર ઉકળ્યા. ‘થવાનું હતું એ થઇ ગયું’ વિચારી બંને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોચ્યાં. ફરિયાદ લખાવી, ‘ગેરેજમાંથી કાર ચોરાઇ ગઈ છે.’

પોલીસ તપાસ શરૂ કરી દીધી, પણ જપનભાઇ સંકોચમાં અને ભાવેશભાઈ ચિંતામાં, ‘કાર મળશે કે નહી!?’ ‘ક્યારે મળશે?', ‘કેવી હાલતમાં મળશે?’ અઠવાડિયું વિત્યું ત્યાં 1 માર્ચે સરખેજના ગેરેજ માલિક શાહનવાઝે જપન શાહને ફોન કર્યો, ‘તે મોકલાવેલી કારનું શું કરવાનું છે? રિપેરિંગ ચાલુ કરી દઉં? અને જપનભાઇ સફાળા જાગ્યા.  યાદ આવી ગયું, ‘કાર ચોરાઇ નથી. મેં જ મિત્રના ગેરેજમાં કાર મોકલાવી હતી.’ એ જ સ્ફૂર્તિથી સીધા પોલીસ સ્ટેશન દોડ્યા. ભૂલથી ફરિયાદ નોંધાવ્યાનું કબુલ્યું. એમને લાગ્યું કે આ કબૂલાતથી બધું પતી જશે, પણ કહાનીમાં ટ્વીસ્ટ આવ્યો. પોલીસે કોર્ટનો રસ્તો બતાવ્યો.

ફરિયાદ થઇ છે કોર્ટમાંથી છોડાવવી પડશે
પોલીસે કહ્યું, ‘ફરિયાદ થઇ છે એટલે કોર્ટમાંથી છોડાવવી પડશે. શરતચૂકથી ફરિયાદ થઈ, એવું સોગંદનામું કરાવો. એ પહેલાં કાર પોલીસ સ્ટેશનમાં જમાં કરાવો,’ હવે, ‘બકરું કાઢતાં ઊંટ પેઠું’નો ઘાટ ઘડાયો. જપનભાઈએ 3 માર્ચે પોલીસ સ્ટેશનમાં કાર જમા કરાવી, પછી સોગંદનામું પણ કરાવ્યું, કાર રિપેરિંગ માટે  આવી. રિપેર તો ન થઈ,‘મુદ્દામાલ’ બની ગઈ! હવે, ભાવેશ ચાવડા અને જપન શાહ, બંને રાહ જુએ છે, ‘મુદ્દામાલ’ કાર ક્યારે થશે!

કોર્ટના હુકમ પછી કાર મળે
ગેરેજમાલિક ગ્રાહકની કાર મિત્રના ગેરેજમાં મુકીને ભૂલી ગયો હતો, અને ચોરીની ફરિયાદ કરી હતી. ફરિયાદ થઇ હોવાથી કાર ‘મુદ્દામાલ’ છે અને તે તેમને કોર્ટમાંથી છોડાવવાની હોય. અમે કોર્ટની કાર્યવાહી પૂરી કરી છે. હવે તેઓ કોર્ટનો હુકમ મળે ત્યારે કાર છોડાવી શકે છે.
-કે. એન. રામાનુજ, પીએસઆઈ, વસ્ત્રાપુર
અન્ય સમાચારો પણ છે...