અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29, 30 જૂને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા અમદાવાદ આવી રહ્યા છે. તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્ટેટ ગેસ્ટ હાઉસ એનેક્ષીમાં આવશે. એ સમયે તેમની અને અન્ય મહાનુભાવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમના કાર્યક્રમ દરમિયાન એનેક્ષીના પાછળના ભાગેથી પસાર થતા રેલવે ટ્રેક પર ટ્રેન વ્યવહાર બંધ રાખવા કે ડાયવર્ટ કરવાની વિનંતી કરતો પત્ર શાહીબાગ પોલીસ મથકના પીઆઈ કે. કે. દેસાઈએ ડીઆરએમને લખ્યો છે.
પીઆઈ દેસાઈએ ડિવિઝનલ રેલવે મેનેજરને 21 જુને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ‘વડાપ્રધાન મોદી અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સ્ટેટ ગેસ્ટ હાઉસ એનેક્ષી ખાતે આવશે. પાછળ રેલવે ટ્રેક આવેલ છે જે તેમના રોકાણ સ્થળ તેમજ રૂટ પર આવતો હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખી આ રેલવે રૂટ બંધ અથવા ડાયવર્ટ કરવા વિનંતી છે. રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માને પૂછાતા તેમણે જણાવ્યું કે, તેમને પોલીસ અધિકારીનો પત્ર હજુ મળ્યો નથી. રેલવે દ્વારા પીએમઓ સિક્યુરિટીના નિયમ મુજબ કામગીરી કરાશે. ટ્રેનનો રૂટ ડાયવર્ટ થઈ શકતો નથી કે ટ્રેન વ્યવહાર બંધ કરી શકાતું નથી. પીઆઈ કે.કે. દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ વ્યસ્ત હોવાથી વાત થઈ ન હતી.