નિકોલ ડીમોલિશનમાં રાજ્ય સરકારે અત્યાર સુધી શું તપાસ કરી : હાઇકોર્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નિકોલમાં દબાણ હટાવવા સમયે થયેલી કામગીરીમાં ચાર વ્યકિતના દટાઇ જતાં થયેલા મોતના મામલે થયેલી જાહેરહીતની રિટમાં તપાસ થવા મામલે સરકાર દ્વારા બુધવારે પણ હાઇકોર્ટ સમક્ષ કોઇ અહેવાલ સુપ્રત નહીં થતાં ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે તમામ પક્ષકારોને એફિડેવિટ કરવા માટે આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી 29મી જુન પર મુલત્વી રાખી છે. ખંડપીઠે આ મામલે રાજ્ય સરકારે અત્યાર સુધી શું તપાસ કરી છે તે જણાવવાનો આદેશ કર્યો છે.

તમામ પક્ષકારોને 29મીએ એફિડેવિટ રજૂ કરવા આદેશ કરાયો

અરજદાર રાકેશભાઇ વેકરિયા વતી એડવોકેટ દીપલ આર. રવૈયાએ જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી છેકે, અમદાવાદ મ્યુ. કોર્પોરેશન અને પોલીસ તંત્રની ભારોભાર બેદરકારીના પગલે નિકોલમાં ડીમોલિશન વખતે નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવવો પડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં બેદરકારી દાખવી હોય તેવું જણાય છે. કોર્પોરેશને દબાણ હટાવવા અંગેની કોઇ નોટિસ પણ સ્થાનિક લોકોને પાઠવી ન હતી.

સરકાર જવાબ રજૂ ન કરી શકતા હાઇકોર્ટે તેનો ઊધડો લીધો

મહાનગર પાલિકાએ  અતિ ઉતાવળે કામગીરી શરૂ કરી દીધી તેની કોઇ સ્પષ્ટતા તંત્ર જોડે નથી. સામાન્ય રીતે કોર્પોરેશન દ્વારા ડીમોલિશનની કાર્યવાહી કરવામાં આવે તો કાયદા પ્રમાણે આકસ્મિક સંજોગોને પહોંચી વળવા એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડ સ્થળે હાજર રાખવાની હોય છે. પરંતુ આ કેસમાં કોર્પોરેશને અગમચેતીના કોઇ પગલાં લીધા નહોતા જે કુદરતી ન્યાયના સિદ્ધાંતથી વિપરીત છે.ગત મુદતે હાઇકોર્ટે આ મામલે જવાબ રજુ કરવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો. જોકે આજે પણ સરકાર દ્વારા કોઇ જવાબ રજુ કરી શકાયો ન હતો. જેથી હવે તમામ પક્ષકારોને આ મામલે એફિડેવિટ સાથે જવાબ રજુ કરવા માટે હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
અન્ય સમાચારો પણ છે...