• Gujarati News
  • Shore Up On Gandhinagar Corporator Salary And Other Allowance

ગાંધીનગર : કોર્પોરેટરોના પગાર-ભથ્થામાં વધારો કરવાની હિલચાલ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- લોક સમસ્યાની વાતે કંઇ જ ઉકાળી નહીં શકનારા 33 નગરસેવકો પાટનગરવાસીઓને વધુ આર્થિક ભારરૂપ બનશે
- સામાન્ય સભામાં મુદ્દો મંજૂર થશે તો કુલ મળીને મહિને રૂ.1500 વધારો મળશે

ગાંધીનગર : ગાંધીનગર મહાપાલિકાનાં વિચિત્ર માળખાનાં કારણે રહેવાસીઓ માટે તો હજૂ સુધી અચ્છે દિન આવ્યા નથી. પરંતુ નજૂકના સમયમાં કોર્પોરેટરો માટે અચ્છે દિન આવી જવાના છે. રહેવાસીઓની અનેકવિધ સમસ્યાઓ મુદ્દે કંઇ નહીં ઉકાળનારા 33 નગરસેવકોનાં પગાર ભથ્થામાં 1500 જેવો ધરખમ વધારો કરવાની દિશામાં હિલચાલ શરૂ કરી દેવાઇ છે. આગામી સામાન્ય સભામાં આ મુદ્દો મૂકાશે અને સ્વાભાવિક રીતે જ સર્વાનુમતે બહાલ કરી દેવાશે. પરિણામે વગર સુવિધાઓ મેળવ્યે કરવેરાનો બોજ ઉઠાવતા વસાહતીઓ માથે વાર્ષિક 6 લાખ જેવું આર્થિક ભારણ વધી જશે. કેમ કે આખરે તાગડધિન્ના માટે ચૂકવાતા નાણા પ્રજા પાસેથી જ કર સ્વરૂપે ઉઘરાવવામાં આવે છે.

ઓક્ટોબર મહિનામાં રાજ્યમાં યોજાનારી મહાપાલિકાઓની ચૂંટણી પહેલાં જ સરકારે માર્ચ મહિનામાં મહાપાલિકાઓના કોર્પોરેટરોના પગાર ભથ્થા વધારી દેવા નિર્ણય કર્યો હતો. પરંતુ ગાંધીનગરમાં ત્રણ કોર્પોરેટર સામેના પક્ષાંતરધારાના કેસમાં હાઇકોર્ટે સામાન્ય સભા બોલાવવા પર પ્રતિબંધ મૂકેલો હતો. હવે આ સ્થિતિ રહી નથી. પરિણામે હવે ચાલુ મહિનામાં મળનારી સામાન્ય સભામાં પગાર ભથ્થા જે હાલમાં 2 હજાર પગાર સહિત કુલ 3 હજાર ચૂકવવામાં આવે છે. તેમાં 1500નો વધારો કરીને 4500 મહિને કરવા માટેનો મુદ્દો મૂકવામાં આવશે.

સ્વાભાવિક રીતે કોઇ કોર્પોરેટર તેનો વિરોધ નહીં કરે. પરિણામે આ વધારાનો ખર્ચ જનતાના માથે થોપાઇ જવાનો છે. નવા સુધારા પ્રમાણે કોર્પોરેટરનો પગાર 2 હજારથી વધારીને 3 હજાર કરવાનો છે. આ ઉપરાંત બેઠકમાં હાજરી આપવા માટેનું ભથ્થું 250, ટેલિફોન ભથ્થું 750 અને સ્ટેશનરી ભથ્થું 500 કર દેવામાં આવશે. ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ અંતર્ગત નિયમો ઘડીને માનદ્દ વેતનમાં વધારો કરવામાં આવશે. ત્યાર બાદ તેની ગેજેટમાં પ્રસિધ્ધિ કરાશે. પરંતુ મહાપાલિકા ઠરાવ મંજૂર કરે તે પછીની તારીખથી વધારો અમલી બનશે. મતલબ કે ગેડેટમાં પ્રસિધ્ધિ મોડી થાય તો પણ આ મહાનુભાવોને તેટલા સમયની રકમ એરિયર્સના સ્વરૂપે મળી જશે.

-આઉટસોર્સ કર્મીઓના પગારની પ્રક્રિયા શરૂ

મહાપાલિકાના 170 જેટલા કર્મચારીઓના પગારનો મામલો ફૂટબોલ બની ગયો છે. જેમના વિના તંત્ર ચાલે તેમ જ નથી તેવા આ કર્મચારીઓના પગાર ખર્ચના 14 લાખની દરખાસ્તને સ્થાયી સમિતિએ નામંજૂર કરી હતી. કમિશનર દ્વારા તો આ કર્મચારીઓના જૂન મહિનાના પગાર માટેની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. પરંતુ કોઇ આઉટ સોર્સિંગ કંપની તૈયાર ન થાય તો સમસ્યા થઇ શકે છે.