તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અ’વાદ: સ્કૂલવર્ધીની બસનો રંગ પીળો નહીં હોય તો RTO પરમિટ નહીં આપે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : સ્કૂલ વર્ધીમાં જોડાયેલી તમામ બસોનો કલર પીળો રાખવાની રાજ્ય સરકારની ગાઇડલાઇન છે. પીળા કલરવાળી બસને ખાનગી બસોની સરખામણીમાં આરટીઓ ટેક્સમાં 80 ટકા રાહત આપવામાં આવે છે. ટેક્સમાં રાહત મેળવતી બસો પીળો કલર નહીં રાખી જાહેર રજા અને વેકેશનમાં બસનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરે છે. જેને ધ્યાનમાં રાખી પીળા કલર વગરની સ્કૂલ બસોને હવેથી પરમિટ નહીં આપવાનો આરટીઓએ સત્તાવાર નિર્ણય કર્યો છે. વાર્ષિક ટેક્સ ભરવા આવે ત્યારે ઇન્સ્પેક્ટરે પરમિટ ફોર્મમાં બસને પીળો કલર છે, તેવી ફરજિયાત નોંધ પણ કરવાની રહેશે.

- 80 ટકા કરરાહત છતાં બસનો અન્ય વ્યવસાયમાં થતો ઉપયોગ

સુભાષબ્રિજ એઆરટીઓ ડી.એચ.યાદવે જણાવ્યું હતું કે હાલ અમદાવાદમાં સ્કૂલોમાં નોંધાયેલી 878 અને ખાનગી કોન્ટ્રાક્ટરની 100 બસ મળી અંદાજે 978 બસ શહેરમાં દોડે છે. સ્કૂલ બસોને ખાનગી બસો કરતા આરટીઓ ટેક્સમાં 80 ટકા રાહત અપાય છે. છતાં સ્કૂલ બસોનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરવામાં આવે છે. આ અંગે કેટલીક ફરિયાદો પણ મળી છે. જોકે હાલ તપાસ ચાલુ છે.

પરંતુ ફરિયાદોને ધ્યાનમાં રાખી આરટીઓ ટેક્સમાં રાહત લેતી સ્કૂલ બસોની આરટીઓ પરમિટની પ્રક્રિયામાં થોડો ફેરફાર કરાયો છેે. જેમાં સ્કૂલ બસો આરટીઓમાં પરમિટ લેવા આવે અથવા પરમિટ માટે ઇન્સ્પેક્ટર જાય ત્યારે સ્કૂલ બસનો કલર પીળો હોવાની પરમિટ ફોર્મમાં નોંધ કરવાની રહેશે. જો પીળો કલર નહીં હોય તો બસને પરમિટ નહીં આપી શકે. આ પછી પણ કદાચ પરમિટ આપવામાં આવી હશે તો સંબંધિત ઇન્સ્પેક્ટર ઉપરાંત બસ સંચાલક સામે કડક કાર્યવાહી કરાશે.

સ્કૂલ બસોને ટેક્સમાં 80 ટકા રાહત જોઇતી હોય તો બસને પીળો કલર કરવો પડશે. ટેક્સમાં અંદાજે રૂપિયા 60 હજાર સુધીની વર્ષે રાહત મળે છે. તેમછતાં બસ માલિકો નિયમ વિરુદ્ધ બસનો ઉપયોગ કરે છે. પીળા કલર સાથે રજિસ્ટ્રેશન થયેલી બસનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરી શકાય નહીં. તેમછતાં કેટલીક સ્કૂલો અને સ્કૂલ બસોના કોન્ટ્રાક્ટરો જાહેર રજા અને વેકેશનમાં બસનો અન્ય વ્યવસાયમાં ઉપયોગ કરે છે.
અન્ય સમાચારો પણ છે...