તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘હું રવિ પૂજારી બોલું છું,’ પણ પોલીસને ખબર નથી, ક્યાંથી બોલે છે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગૅંગસ્ટર રવિ પૂજારી અને તેના સાગરીતોના નામે ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાના ધમકીભર્યા ફોન થયા છે. આની 6 ફરિયાદ નોંધાઈ છે. આ તમામ ફોન વિદેશમાંથી થયા હતા, પરંતુ ટાંચાં સાધનોને કારણે પોલીસની તપાસ માત્ર આઇપી એડ્રેસ સુધી જ પહોંચી શકી છે. આ તમામ ફોન રવિ પૂજારીએ જ કર્યા હતા કે તેના નામે અન્ય વ્યક્તિઓએ કર્યા હતા, તેની તપાસ પણ પોલીસ કરી શકી નથી. 

તપાસ IP એડ્રેસ પછી અટકી ગઈ

ગુજરાતના 4 કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ નામ ન આપવાની શરતે માહિતી આપી છે. તે અનુસાર પોલીસ પાસે આવા કેસોમાં ફોન નંબર સિવાય અન્ય કોઈ આધાર હોતો નથી. મોટા ભાગના ફોન કૉલ્સ વિવિધ દેશોમાંથી જુદા જુદા નંબરો પરથી કરાયાનું તપાસમાં બહાર આવ્યું છે. આ નંબરોના આઇપી એડ્રેસ તો શોધી કાઢ્યા પરંતુ પ્રોક્સી નંબર લઈને ફોન થયા હતા. એટલે તપાસ અટકી ગઈ. દરમિયાન અન્ય નંબરો પરથી ધમકીના ફોન ચાલુ જ હતા. ‘મેજિક જેક’ જેવા ડિવાઇસ થકી વિશ્વના કોઈ પણ દેશનો પ્રોક્સી નંબર દર્શાવી ફોન થતા હોવાની શક્યતા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ નકારતા નથી.

ગુજરાતમાં 6 કેસ થયા

કેસ 1: અમૂલ ડેરીના મૅનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીને એક વ્યક્તિએ ગૅંગસ્ટર રવિ પૂજારીના નામે રૂ. 25 કરોડની ખંડણીની માગી હતી.

કેસ 2: અમદાવાદના બિલ્ડર પ્રકાશ પટેલને ગૅંગસ્ટર છોટા રાજનની ગૅંગના રવિ પૂજારીએ ફોન કરી પોતે રવિ પૂજારી બોલતો હોવાનો દાવો કરી ખંડણીની માગી હતી.

કેસ 3: અમદાવાદના બિલ્ડર રીપલ પટેલને રવિ પૂજારીના નામે ખંડણી માગવા ફોન કરાયો હતો. 

કેસ 4: આણંદના બિલ્ડર અરવિંદ પટેલને પણ રવિ પૂજારીએ ફોન પર રૂ. 25 કરોડની ખંડણી માગી હતી.

કેસ 5: આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાને રવિ પૂજારીએ ફોન કર્યો હતો. તપાસમાં ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યાનું જણાયું હતું. 

કેસ 6: નવસારીના એસ્ટેટ બ્રોકર અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા હેમરાજ અવારીને રવિ પૂજારીના નામે અજાણ્યા ફોન નંબર પરથી ફોન કરાયો હતો. રૂ. 5 કરોડની ખંડણીની માગી હતી. આ જ પ્રમાણે નવસારીના ભાજપના નેતા અને કાઉન્સિલર શંકર લાલવાણીને પણ ધમકી અપાઈ હતી.

વિકીના કહેવાથી ફોન કર્યો ને રવિ ડૉન બન્યો

અમદાવાદના વિકી ગોસ્વામી સાથે રવિ પૂજારીને નૈરોબીમાં પરિચય થયો હતો. પાલડીના રહીશે એક વ્યક્તિ પાસેથી પોતાની લેણી રકમ લેવા માટે વિકીનો સંપર્ક કર્યો હતો. વિકીએ આ કામ રવિને સોંપ્યું. ત્યારે રવિએ પહેલી વખત અમદાવાદમાં ધમકીફર્યો ફોન કર્યો હતો. ત્યાર બાદ દાઉદ ઇબ્રાહિમના એક સમયના સાથી છોટા રાજનથી છૂટા પડેલા રવિ પૂજારીએ અનેક ગૅંગસ્ટર સાથે કામ કર્યા પછી પૈસા પડાવવા ગુજરાત તરફ ડોળો કર્યો છે.
અન્ય સમાચારો પણ છે...