તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

19 માસથી કચરો પ્રોસેસ નહીં કરતી કંપનીને ફક્ત દંડ, બ્લેકલિસ્ટ ન કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એ ટુ ઝેડને પીરાણામાં 25 એકર જમીન ફાળવાયા છતાં પ્લાન્ટ શરૂ જ ન કર્યો
- કંપનીને કાળી યાદીમાં મૂકવાનો વિકલ્પનો છેદ ઉડાડી દેવાયો
- સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણયથી કસૂરવાર કંપનીને રાહત મળી

અમદાવાદ: દેશભરનાં સ્વચ્છ ટોપટેન શહેરોની યાદીમાંથી અમદાવાદની બાદબાકી થઈ હોવા છતાં સોલિડ વેસ્ટની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો પર મ્યુનિ. ભાજપના શાસકો અને અધિકારીઓનું નરમ વલણ ઓછું થયું નથી.

પિરાણાના કચરાના ડુંગરના કારણે જ ટોપટેન સિટીની યાદીમાં અમદાવાદનો સમાવેશ નથી ત્યારે આ કચરાનું પ્રોસેસિંગ કરતી એ ટુ ઝેડ કંપનીએ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતાં કોન્ટ્રાક્ટ રદ કરી ડિપોઝિટ અને દંડ વસૂલવાની દરખાસ્ત બોર્ડમાં મંજૂર કરવામાં આવી.

આ કંપની સામે પગલાંના ચાર વિકલ્પો કમિશનર કક્ષાએથી રજૂ થયા હતા જેમાં કંપનીને બ્લેકલિસ્ટ કરવાનો વિકલ્પ હતો પણ સ્ટેન્ડિંગ કમિટી (ભાજપના શાસકો)ના આશીર્વાદથી પડતો મૂકાયો છે. આમ, શાસકો અને અધિકારીઓની મિલીભગતથી જ કંપનીઓને ફાયદો કરાવાતો હોવાની પણ ચર્ચા છે.

અમદાવાદ શહેરમાં દૈનિક પેદા થતો 4200 મેટ્રિક ટન કચરો પ્રોસેસ કરવા માટે સાત જુદી જુદી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો છે. આમાંથી એ ટુ ઝેડ કંપનીનો પણ સમાવેશ થાય છે. વર્ષ 2012માં આ કંપનીને 4200માંથી 1000 મેટ્રિક ટન કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ માટે 25 એકરની જમીન પણ ફાળવવામાં આવી હતી.

19 મહિના વીતી ગયા પછી પણ કંપનીએ પ્રોસેસિંગના પ્લાન્ટને કાર્યરત કરવા અંગેની કોઈ પણ કામગીરી હાથ ધરી ન હતી. વખતોવખત આ અંગે કોર્પોરેશને કંપનીને નોટિસ આપી હોવા છતાં તેની અવગણના કરવામાં આવી હતી. પરિણામે આ કંપનીની બેંક ગેરંટી દોઢ કરોડ રૂપિયાની રકમ જમા લેવા અને કરારનો ભંગ કરવા બદલ રૂ.57 લાખનો દંડ કરવા અને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. જો કે, કંપનીને બ્લેકલિસ્ટ નહીં કરાતા અધિકારીઓ અને ભાજપના શાસકોની ભેદી નીતિ ખુલ્લી પડી છે.
અન્ય સમાચારો પણ છે...