તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: હપતા ખાઉ પોલીસે છાપ ન સુધારી, લારી-ગલ્લા બંધ કરાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : પહેલાં ગેરકાયદે રીતે લારી-ગલ્લા રાખવા દેવાના પછી દબાણના નામે ફેરિયાઓ પાસેથી હપતા વસૂલવાના, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની આ ‘કામગીરી’ શહેરીજનો સારી રીતે જાણે છે. અમદાવાદમાં મોટે ભાગે આ જ રીતે ફેરિયાઓનો કારોબાર ચાલતો હોવાનું કહેવાય છે. આ સ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે ગુરુવારે એકાએક સેપ્ટ યુનિવર્સિટી, એલ. ડી. આર્ટ્સ કૉલેજ પાસે ઊભી રહેતી ખાણીપીણી અને રેડિમેડ કપડાંની રેકડીઓનું દબાણ હટાવી દીધું હતું.

પોલીસે હપતારાજ બંધ કરાવવાને બદલે ફેરિયાઓનો ધંધો જ બંધ કરાવી દીધો. ‘પાડાને વાંકે પખાલીને ડામ’ જેવા પોલીસ-કોર્પોરેશનના આ ‘શૂરાતન’થી નવરાત્રિ, દિવાળી ટાણે આખા વર્ષનો રોટલો રળી લેનારા ફેરિયાઓનો તહેવારોમાં ધંધો ઠપ થઈ ગયો છે. સેપ્ટ અને એલ.ડી. કૉલેજ પાસે કેટલાય મહિનાઓથી દિવસે ખાણીપીણીની રેકડીઓ અને રાત્રે કાપડબજાર ભરાય છે. એ વિસ્તારમાં ગુજરાત યુનિવર્સિટી અને સ્કૂલ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓ માટે આ રેકડીઓ હરતીફરતી કૅન્ટિન જેવી હતી.

પોલીસે ‘હપતાખાઉ’ની છાપ સુધારવાની કવાયત કરવાને બદલે ગુરુવારે લારી-ગલ્લા હટાવતાં ફેરિયાઓ માટે તહેવારમાં આવક રળવાનું સાધન છિનવાઈ ગયું છે તો વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવી પડશે.

-આક્ષેપોને લીધે બંધ કરાવ્યા

લારી-ગલ્લાવાળા પાસેથી પોલીસ હપતા લે છે અને છેક ઉપર સુધી પહોંચે છે, તેવું છાપાંમાં વારંવાર આવે છે. એટલે કોર્પોરેશન સાથે મળીને લારી-ગલ્લા બંધ કરાવી દીધા. -જી. એસ. બારિયા, પીઆઇ, ગુજરાત યુનિ.
અન્ય સમાચારો પણ છે...