શ્રીમદ્ રાજચંદ્રજી અને ગાંધીજી વચ્ચેના પત્રવ્યવહાર પર PhD થવી જોઇએ : મોદી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  ગાંધી આશ્રમ ખાતે શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતીના વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્મૃતિ સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના ગવર્નર ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના લોકોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રીમદ્ રાજચંદ્રજીને ભાવાંજલિ આપતા કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા દોઢસો રૂપિયા અને દસ રૂપિયાના બે સ્મૃતિ સિક્કા તથા પોસ્ટ વિભાગ દ્વારા ફર્સ્ટ ડે કવર, ફર્સ્ટ ડે કેન્સલ્ડ કવર અને સ્પેશિયલ પાંચ રૂપિયાની પોસ્ટેજ સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું હતું.
 
મંદિર જેવી સકારાત્મક ઉર્જા મળે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “ આજે દેશ મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતીની ઊજવી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાંધીજીને લખેલા પત્રોમાંના એકમાં તેમણે લખ્યું હતું કે, જ્યારથી હિંસાનું અસ્તિત્વ રહ્યું છે ત્યારથી જ અહિંસાનો સિદ્ધાંત પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે આ બેમાંથી કોને મહત્વ આપીએ છીએ અથવા આમાંથી કોનો ઉપયોગ માનવહિતમાં થઇ રહ્યો છે તે વાત મહત્વની છે.
રાજચંદ્ર જેવા મહાનુભાવોને ભૂલાવીને આપણે કેટલું અને શું ખોયું છે તે આપણે વિચારવું જોઇએ. સૌરાષ્ટ્રના વવાણિયા ગામ શ્રીમદ્ રાજચંદ્રજીનું જન્મસ્થળ છે. ત્યાં જે સ્કૂલ આવેલી છે ત્યાં દરેક શિક્ષક અને લોકોએ જવું જોઇએ. તે સ્થળે મંદિર નથી છતાં પણ ત્યાં મંદિર જેવી સકારાત્મક ઊર્જા મળે છે. 
 
શ્રીમદ્ રાજચંદ્રજીએ ગાંધીજીને માર્ગદર્શન આપ્યું હતું

શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજી વચ્ચેના  પત્ર વ્યવહારોમાં અંતર મન વિષેની ચર્ચા થયેલી છે. તેનો પણ આજની પેઢીએ અભ્યાસ કરવો જોઇએ. આ વિષયો પર પણ પીએચ.ડી થવું જોઇએ. ગાંધીજી જેવા આઝાદીની લડાઇના નેતા પણ અંતર મન અને તેને લગતા વિચારોને લઇને કેટલા ચિંતિત હતા તે પત્ર વાંચતા પ્રતીત થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર સામાન્ય જીવન જીવનારા અસામાન્ય વ્યક્તિ હતાં. તેમણે ગાંધી બાપુને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. બંને વચ્ચે ઉંમરનો મોટો તફાવત ન હતો છતાંય પણ ગાંધીજી જેવી વ્યક્તિ તેમની પાસેથી માર્ગદર્શન લે તે પ્રકારનું ચિંતન તેઓ કરતા હતાં.