- અનામત આંદોલન: હળવદ, હિંમતનગર, વડોદરા, રાજકોટમાં ભાજપની બેઠકમાં પાટીદાર મહિલાઓ વિફરી
- ધોરાજીમાં સૌરાષ્ટ્ર-કચ્છના પાટીદાર આગેવાનોએ પણ થાળીઓ ખખડાવી
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં ભલે હાર્દિક પટેલનું નામ સૌથી વધારે લેવાતું હશે. પરંતુ અત્યારે તો ગુજરાતની પટલાણીઓ આખો શો છીનવી રહી છે. રાજ્યમાં જ્યાં પણ સરકારી, રાજકીય કે ભાજપની આંતરિક બેઠકો યોજાય છે ત્યાં પટલાણીઓ પહોંચી જાય છે. થાળી-વેલણ ખખડાવી એવો પ્રચંડ વિરોધ કરે છે કે, મંત્રીઓ પદાધિકારીઓ અને ભાજપના નેતાઓ સ્થળ છોડી ભાગી જાય છે.
હળવદ, હિંમતનગરમાં સર્કિટ હાઉસમાં ભાજપને ચૂંટણી પ્રક્રિયા માટે બેઠક ચાલતી હતી ત્યારે પાટીદારી મહિલાઓ થાળીઓ ખખડાવતા ધમાલ મચી ગઈ હતી અને હળવદમાં તો ભાજપના હોદ્દેદારો સર્કિટ હાઉસ છોડી ભાગી ગયા હતા. જ્યારે માણસામાં ભાજપના અગ્રણી ડી ડી પટેલના બંગલાને મહિલાઓએ ઘેરી વળીને થાળીઓ ખખડાવીને આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. આ ઉપરાંત કચ્છના 144 તાલુકાના 500 પ્રતિનિધિઓએ 15મી સપ્ટેમ્બરની રાત્રે થાળી ખખડાવી ઘંટાર કર્યો હતો.
આ ઉપરાંત ગઈકાલે રાત્રે માણસા, ઝાલાવાડ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મહિલાઓએ થાળીઓ ખખડાવીને સુત્રોચ્ચા કર્યા હતા, અનામત નહીં તો વોટ નહીં, સહિત વિવિધ સૂત્રો પોકારીને ભાજપ તથા રાજ્ય સરકારનો વિરોધ કર્યો હતો. મોરબીમાં તો સોશિયલ મિડીયા પર પાટીદાર બહેનો ‘સંખ, થાળીને વેલણ’ એવું સુત્ર વાઈરલ થયું હતું. હળવદમાં ચૂંટણીમાં ભાજપની સેન્સ પ્રક્રિયા બુધવારે સરકીટ હાઉસ ખાતે યોજાઇ હતી. ત્યારે હળવદ પાટીદાર સમાજની મહિલાઓનું ટોળુ થાળી વગાડી સરકીટ હાઉસમાં ઘૂસી જતાં થોડીવાર નાસભાગ મચી હતી.
જેમાં મહિલાઓએ ભાજપનાં હોદ્દેદારો પર બંગડી ફેંકી સરકીટ હાઉસમાં તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલો બનતા ભાજપનાં આગેવાનો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. હળવદ પંથકમાં આગામી સમયમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે હળવદના સરકીટ હાઉસમાં બુધવરે સવારે સેન્સ વખતે હળવદ શહેરની વિવિધ સોસાયટીની 400 થી 500 જેટલી પાટીદાર સમાજની મહિલાઓનું ટોળુ ધસી આવ્યું હતું.
આગળ વાંચો વડોદરા-રાજકોટમાં ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં થાળી વગાડી વિરોધ, 17મીએ ખંભાતના 25 હજાર પાટીદારો એસપીજીમાં જોડાશે, અમદાવાદમાં યોજાનારું વિજય વિશ્વાસ સંમેલન રદ કરવું પડ્યું