• Gujarati News
  • Patidar Community Women Demand To Release Thakkarnagar Area 6 Youngster

પાટીદાર મહિલાઓએ રાતભર પોલીસ સમક્ષ થાળીઓ ઠોકી, પોલીસ વાહન વિના પરત ફરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-વાહનો છોડાવવા પોલીસને પણ વિનંતી કરવી પડી
-મંજીતા વણઝારાને રાત્રે વાહન વિના જ જવું પડ્યું

અમદાવાદ : તોફાનોમાં સંડોવણીના આરોપસર ઠક્કરનગરના 6 યુવાનને જામીન પર છોડાવવા પાટીદાર મહિલાઓના આંદોલને ગુરુવારે આખી રાત પોલીસને ઘેરીને થાળીઓ ઠોકતી રહી હતી. એસીપી મંજીતા વણઝારા અને કૃષ્ણનગર પીઆઇનાં વાહન સહિત બે પોલીસ વાહનને બાનમાં લઈ લેતાં એક તબક્કે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ હતી. જોકે, મહિલાઓનો રોષ ઓસર્યા પછી શુક્રવારે પરોઢિયે પોલીસ આ‌ વાહનો લઈ જઈ શકી હતી.

ભાજપના કોર્પોરેટર પિન્કી પટેલનું રક્ષણ કરવા જતાં પોલીસને મહિલા પાટીદારોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. ગુરુવારે રાત્રે મહિલાઓએ ઘેરો કર્યો ત્યારે પોલીસ કાફલામાં 5થી 6 વાહન હતાં પરંતુ બે વાહનને બાનમાં લઈ લીધાં હતાં. મહિલાઓનો આક્રોશ એટલો હતો કે વાહનો છોડી દેવા માટે પોલીસ અધિકારીઓને વિનંતી કરવી પડી હતી. છતાં મહિલાઓ ટસની મસ થઈ ન હતી.

લગભગ 3 કલાક ચાલેલા ડ્રામા બાદ પોલીસ અધિકારીઓને મોડી રાત્રે 2 વાગ્યે વાહન લીધા વિના જ પરત ફરવું પડ્યું હતું. એટલું જ નહીં મહિલાઓએ વાહનોમાં બેઠેલા પોલીસ કર્મચારીઓને પણ પરોઢિએ 5 વાગ્યા સુધી બહાર નીકળવા દીધા નહોતા. ઉલ્લેખનીય છે કે આંદોલન દરમિયાન ઠક્કરનગરમાંથી તોફાનોમાં સંડોવણીના આરોપસર 9 યુવાનની ધરપકડ કરાઈ હતી.

3 યુવકને જામીન મળ્યા છે જ્યારે 6 યુવાનને જામીન પર છોડાવવા પાટીદાર મહિલાઓ બે દિવસથી ભાજપના કોર્પોરેટર પિન્કી પટેલના ઘરે આંદોલન ચલાવી રહી છે.
બુધવારે રાત્રે અંદાજે 1500 પાટીદાર મહિલા કોર્પોરેટર પિન્કી પટેલને રજૂઆત માટે પોલીસ સ્ટેશને લઈ જવા તેમના ઘરેથી ખેંચી ગઈ હતી. પરંતુ પોલીસે અધવચ્ચે દરમિયાનગીરી કરી મામલો બિચકતાં અટકાવ્યો હતો. ગુરુવારે પણ મહિલા મોરચો પિન્કી પટેલના ઘરે પહોંચ્યો હતો, પરંતુ પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હોવાથી તેમણે પાછા વળી સરદાર ચોક પર ડેરા-તંબુ તાણ્યાં હતાં.
કોને છોડવાની માગ

1) પારસ દિનેશભાઈ પટેલ
2) વિપુલ રાજેન્દ્રભાઈ પટેલ
3) દીક્ષિત રણછોડભાઈ પટેલ
4) અશ્વિન કાંતિભાઈ પટેલ
5) કિરીટ શીવાભાઈ પટેલ
6) હસમુખ પોપટભાઈ પટેલ
આગળ વાંચો યુવાનોને મુક્ત ન કરાય તો જલદ આંદોલન, પોલીસ ધરપકડ સામે ઠક્કરનગરની પાટીદાર મહિલાઓનો રોષ ભભૂક્યો