તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યાત્રીઓને બેઝ કેમ્પ પર બપોરે 3 વાગ્યાથી જ રોકી દેવાતા હતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમરનાથ યાત્રીઓ પર સોમવારે થયેલા હિચકારા આતંકવાદી હુમલા બાદ હવે શ્રદ્ધાળુઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અત્યાર સુધી યાત્રાએ જનારા તમામ શ્રદ્ધાળુઓ ભય વગર સેના અને અર્ધલશ્કરી બળોની દેખરેખ હેઠળ યાત્રા હેમખેમ પૂરી કરી ચૂક્યા છે. પહેલગામ પાસે 20 દિવસ સુધી રોકાઈ યાત્રીઓની સેવા કરનારે જણાવ્યું કે, યાત્રીઓના જથ્થાને જે તે બેઝકેમ્પ પર બપોરે 3 વાગ્યા બાદથી જ સેના દ્વારા અટકાવી દેવામાં આવે છે અને રાતે 2 વાગ્યા બાદ તમામ યાત્રીઓના જથ્થાને આર્મી કોન્વોય સાથે આગળની યાત્રા માટે રવાના કરવામાં આવે છે.

અમરનાથ યાત્રા પૂર્ણ કરનાર ભરતભાઈએ જણાવ્યું કે, તેઓ 14 લોકોના જથ્થા સાથે 7મીએ જુલાઈએ અમરનાથના દર્શન કરી પાછા ફર્યા છે. તેઓ અનંતનાગથી બાલતાલ થઈ બાબાની ગુફા સુધી ગયા હતા. ત્યારે માર્ગમાં તેમને અને અન્ય તમામ યાત્રીઓને સેના દ્વારા સંપૂર્ણ સુરક્ષા પૂરી પડાઈ હતી. અનંતનાગ પાસે યાત્રીઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે તે જાણી દુ:ખ થયું છે.

પહેલગામ બેઝ કેમ્પ ખાતે સેવા કેમ્પ ચલાવતા સેવાદારે નામ ન લખવાની શરતે જણાવ્યું કે, સંપૂર્ણ યાત્રા દરમિયાન અનંતનાગથી મીરબજાર સુધી જ યાત્રીઓ પર સૌથી વધુ જોખમ છે. તેથી જ અનંતનાગ કે મીરબજાર બેઝ કેમ્પ પર પહોંચ્યા બાદ સેના તમામ યાત્રીઓને બપોરે 3 વાગ્યા બાદ અટકાવી દે છે. જ્યારે રાતે 2 વાગ્યા બાદ આર્મી જવાનો સંપૂર્ણ માર્ગનું નિરીક્ષણ કરે છે  અને ત્યારબાદ બેઝ કેમ્પ પર એકત્ર થયેલી 80થી 100 ગાડીઓના જથ્થાને સંપૂર્ણ સુરક્ષા સાથે આગળ રવાના કરે છે.

રાજ્યમાં સ્થિતિ ન બગડે તે માટે બંદોબસ્ત ગોઠવાયો
અનંતનાગમાં હુમલાને પગલે રાજ્યમાં સુરક્ષાની સમીક્ષા અંગે ગાંધીનગરમાં ગૃહવિભાગની મિટિંગ યોજાઈ હતી. મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસવડા ગીથા જોહરીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ હતી. આતંકી દ્વારા થયેલા હુમલા બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે વિરોધ વચ્ચે કોઈ બે કોમ વચ્ચે વાતાવરણ તંગ ન બને તે માટે રાજ્યભરમાં પોલીસતંત્રને ગત રાતથી સ્ટેન્ડ ટુ કરી દેવાયું હતું. 
અન્ય સમાચારો પણ છે...