• Gujarati News
  • Paralysis Effect Of Ranip Area Family After Eating Moyel Grain

દહેગામ બાદ અ’વાદમાં ઘટના બની: મોયેલું અનાજ ખાતાં રાણીપના પરિવારને લકવાની અસર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દહેગામ બાદ શહેરમાં પણ ઘટના બની
-ત્રણ સભ્યોને સારવાર માટે અશોકનગર લઇ જવાયો

રામપુરા(ભંકોડા) : દેત્રોજ-રામપુરા તાલુકાના છેવાડે આવેલા અશોકનગર ગામના વતની અમદાવાદ રાણીપમાં રહેતા પરિવારે દીવેલ મોયેલા ઘઉં-તુવેરદાળ ખાધા બાદ હાથપગ જકડવાની સમસ્યા થઇ હતી. પ્રથમ અમદાવાદ અને ત્યારબાદ કડી સારવાર લીધા બાદ હાલ માદરે વતન અશોકનગરમાં પરિવાર સારવાર લઇ રહ્યો છે. 20દિવસમાં અંદાજે રૂ.70-80 હજાર સારવાર માટે ખર્ચવા છતાં 70 ટકા આરામ થયો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. દહેગામમાં એક સાથે 16 જેટલા લોકોને દીવેલ મોયેલા ઘઉંની રોટલી ખાવાથી લકવા જેવી અસરના કિસ્સાની શાહી સુકાઇ નથી, ત્યાં દેત્રોજ-રામપુરા તાલુકાના છેવાડે આવેલા અશોકનગર ગામના વતની ઉપાધ્યાય કેનેડીપ્રસાદ ગૌરીશંકર રાણીપ અમદાવાદ ખાતે પુત્ર અને પત્ની સાથે રહે છે.

ઇલેકટ્રીક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, 20દિવસ અગાઉ પરિવારના સભ્યોને લકવા જેવી અસર થઇ જતા અમદાવાદ સારવાર લીધી હતી. કેનેડી ગૌરીશંકર ઉપાધ્યાય (46), કોકીલા કેનેડી ઉપાધ્યાય પત્ની (40), સિદ્ધાર્થ ઉપાધ્યાય (20) હાથપગમાં લકવા જેવી અસર થઇ હતી, પ્રથમ અમદાવાદમાં સારવાર લીધી ત્યારબાદ કોઇ રાહત નહી થતા પરિવારે કડી સારવાર લીધી હતી. સારવાર પાછળ રૂ.70-80 હજાર ખર્ચ કરવા છતાં કોઇ સુધારો નહી થતા માદરે વતન અશોકનગરમાં પરિવાર સારવાર લઇ રહ્યો છે. કેનેડીપ્રસાદના જણાવ્યા મુજબ ઘઉં-તુવેરદાળ અને અથાણું ખાધા બાદ લકવા જેવી અસર થઇ છે.