તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોતિયાના નિ:શુલ્ક ઓપરેશન માટે 22 લાખનું દાન, 3 મહિના સુધી મફતમાં ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: શહેરના લાંભા વિસ્તારમાં જીવનધારા વૃદ્ધાશ્રમના પરિસરમાં પોણા બે કરોડના ખર્ચે આકાર પામેલા ભગવાન મહાવીર આઇકેર હોસ્પિટલનો રવિવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. તેના ઉદઘાટનમાં આવેલા દાતાઓએ કુલ 500 ઓપરેશનનો ખર્ચ ઉઠાવી લીધો છે. આ માટે પ્રથમ દિવસે જ 22 લાખ 50 હજાર રૂપિયાનું અનુદાન ઓપરેશન ફંડ માટે મળ્યું છે. જેથી આગામી 3 મહિના સુધીમાં આવનારા તમામ જરૂરિયાતમંદને નિ:શુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે. દાતાઓએ જરૂરિયાતમંદ વડીલોને મોતિયાનું ઓપરેશન કરાવવા માટે ઓપરેશન દીઠ 4500 રૂપિયાનો ખર્ચ ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે.

- ભાસ્કર વિશેષ: લાંભામાં જીવનધારા વૃદ્ધાશ્રમમાં બનેલી મહાવીર આઈકેર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે મળેલી સહાયથી 3 મહિના સુધી મફતમાં ઓપરેશન થઈ શકશે

નવા આકાર પામેલા હોસ્પિટલ અને આઇ-કેર સેન્ટર ખાતે રાજ્યભરના વૃદ્ધાશ્રમમાં વસતા વડીલોને નિ:શુલ્ક મોતિયા સહિતની આંખની સારવાર કરાશે. બીજી મેડિકલની સેવાઓપણ રાહતદરે કરી આપવામાં આવનારી છે. આ અંગે વાત કરતા સંસ્થાના ટ્રસ્ટી સંદીપભાઇ ચંપકલાલ શાહે જણાવ્યું હતું કે, ઉદઘાટન પ્રસંગે આવેલા લોકોએ અમને દાનની આટલી રકમ આપી છે. તે ખૂબ આનંદની વાત છે. તમામ લોકોના ઓપરેશન જાણીતા આઇસર્જન ઉદયનભાઇ પટેલ દ્વારા કરવામાં આવશે. તેઓ નડિયાદના સંતરામ મંદિર સ્થિત હોસ્પિટલ અને બારેજાની હોસ્પિટલમાં વર્ષોથી સેવા આપે છે.

અત્યાર સુધીમાં અમારી પાસે સમગ્ર રાજ્યમાંથી કુલ 100 જેટલા લોકોની અરજી આવી છે. તેમનું શરૂઆતમાં અમે ઓપરેશન કરીશું. ત્યારબાદ આગામી 3 મહિનામાં આ ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવામાં આવશે. દાતાઓમાંથી 111 ઓપરેશનનો ખર્ચ રત્નમણિ મેટલના બાબુભાઇ વિસરીમલજી સંઘવી દ્વારા આપવામાં આવ્યા છે. આ સિવાય ઘણા દાતાઓએ પોતાની ઇચ્છા અનુસાર ઓપરેશન કરાવવા માટેનું અનુદાન આપ્યું છે.

આગામી દિવસોમાં મેડિકલ સેન્ટરમાં બીજી પણ કેટલીક સારવાર શરૂ કરવામાં આવનારી છે. તેના માટેનું પણ તમામ આયોજન થઇ ચૂક્યું છે. સાથોસાથ વડીલોની સાથે રહેનાર એક વ્યક્તિને રહેવાની સુવિધા નિ:શુલ્ક કરી અપાશે. જેથી વડીલની સારવારની સાથે તેમની માવજત પણ યોગ્ય રીતે થઇ શકે. આ સિવાય અમારી સંસ્થા દ્વારા વડીલો માટે ટિફિન સર્વિસ, લાઈબ્રેરી, મેડિકલ સેન્ટર, એમ્બુલન્સ જેવી સેવાઓ આપવામાં આવે છે.

અન્ય લોકોને પણ લાભ મળશે

મહાવીર આઇ-કેર સેન્ટર ખાતે શરૂ કરાયેલી ઓપરેશનની સુવિધા માત્ર વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને જ આપવામાં આવશે તેવું નથી રાજ્યભરના જરૂરિયાત મંદ વડીલો કે જેમની સ્થિતિ સારી નહીં હોય તેમને પણ મોતિયા સહિતના ઓપરેશન અને સારવાર આપવામાં આવશે.

રાજ્યના વૃદ્ધાશ્રમમાં સર્વે કરાશે

રાજ્યના તમામ વૃદ્ધઆશ્રમમાં જીવનધારા વૃદ્ધાશ્રમ દ્વારા આ મેડિકલ સેન્ટર અંગેનો પરિપત્ર મોકલવામાં આવશે. આ સાથે તેમની સંસ્થાની ટીમ દ્વારા તમામ વૃદ્ધાશ્રમમાં પણ મેડિકલ કેમ્પ્સ કરવામાં આવનારા છે. જેથી કોઇ વડીલમાં તકલીફ હશે તો તેનું નિરાકરણ લાવી શકાશે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ જીવનધારા વૃદ્ધાશ્રમમાં બનેલી મહાવીર આઈકેર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગની વધુ તસવીરો....
અન્ય સમાચારો પણ છે...