અ'વાદ: લાંબા સમય બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ શહેરમાં રવિવારે ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઢળતી સાંજે વંટોળ ફૂૂંકાયો હતો. અડધો કલાકના ભારે વંટોળ બાદ અચાનક લાંબા દિવસો પછી પડેલા ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં સરેરાશ એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ઝોનમાં દોઢ અને નવા પશ્ચિમ ઝોનમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ભારે વંટોળ અને ધોધમાર વરસાદના કારણે શહેરના 20 થી વધુ નીચાણવાળા સ્થળોએ પાણી ભરાયા હતા અને છ સ્થળોએ વંટોળ દરમિયાન વૃક્ષો ધરાશયી થયાના અહેવાલ મળ્યા હતા.
 વરસાદના કારણે જનજીવન ક્ષણિક ઠપ્પ
 
રવિવારે ફરી એક વખત વરસાદી માહોલ સર્જાયો હતો. સાંજેે છ વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન ફૂંકાયો હતો. સાડા છ વાગ્યા પછી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વત્તા ઓછા પ્રમાણમાં સમગ્ર શહેરમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી. પણ એકધારા દોઢ ઈંચ પડેલા વરસાદના કારણે જનજીવન ક્ષણિક ઠપ્પ થઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ખોખરા, મણિનગર, હાટકેશ્વરમાં સૌથી વધુ પાણી ભરાયા હતા. હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયુ હતુ. અહીં આવેલા ખોડિયાર મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા હતા.  સ્થાનિક આસપાસની દસ જેટલી સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા.
 
સમગ્ર રાજ્યમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
 
દક્ષિણ-પૂર્વીય મધ્યપ્રદેશ, ગુજરાતની સાથે ઉત્તર મહારાષ્ટ્રમાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેની અસરોને કારણે આગામી 24 કલાક દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.6 ડિગ્રી નોંધાયુ હતું. વાદળછાયું વાતાવરણ રહેવા છતાં બપોર દરમિયાન લોકોએ સામાન્ય બફારાનો અનુભવ કર્યો હતો. પરંતુ, સાંજનાં 5.30 વાગ્યા બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ જોરદાર પવનની સાથે ધૂળની ડમરી બાદ વરસાદ તૂટી પડતાં શહેરમાં ઠંડકનું પ્રમાણ વધ્યું હતું. પાંચ દિવસ સુધી અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
 
આગામી ચાર દિવસ સુધી વરસાદ યથાવત્ રહેવાની શક્યતા
 
અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનને કારણે આગામી 24 કલાકમાં રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. તેમજ ત્યારબાદ રાજ્યનાં દક્ષિણ ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ યથાવત્ રહેવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી આકાશમાં વાદળોનું પ્રમાણ વધતાં મોટાભાગનાં શહેરોમાં ગરમીનો પારો ઘટીને 28થી 36 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. ખાસ કરીને કચ્છનાં વિવિધ શહેરમાં છેલ્લાં ચાર દિવસો દરમિયાન ગરમીનો પારો 38 ડિગ્રીને પાર કરી ગયો હતો. સમગ્ર રાજ્યમાં કંડલા એરપોર્ટ 36.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
 
કયા ઝોનમાં કેટલો વરસાદ
 
પૂર્વ    30.67
પશ્ચિમ    14.25
નવા પ.    12.00
મધ્ય    19.25
ઉત્તર    36.33
દક્ષિણ    45.50
 
અહીં વૃક્ષ ધરાશાયી

- રાયપુર ભૂતની આંબલી ખાતે
- શાહીબાગ નમેસ્ત સર્કલ
- બહેરામપુરા બાપાલાલ ગાંડાની ચાલી
- ગોમતીપુર આયેશા મસ્જિદ પાસે
- બોડકદેવ મનાલી ટાવર પાસે
- દરિયાપુર લોખંડવાલા હોસ્પિટલ નજીક
 
આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...