યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટર ખાલી ન કરનાર ગાંધી ડેકોરેટર્સને નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનો વિવાદ વધુને વધુ ઘેરો બનતો જાય છે. કન્વેશન સેન્ટરનો કોન્ટ્રાક્ટ  31મી મેના રોજ પૂરો થઇ ગયો હોવા છતાં કંપની દ્વારા જગ્યા ભાડે આપવાની કામગીરી ચાલી રહી છે. એટલું જ નહીં ગ્રાહકો પાસેથી ભાડાની વસૂલાત પણ કરાય છે. ગુજ.યુનિ.એ  ગાંધી ડેકોરેટર્સનો કોન્ટ્રાક્ટ  રિન્યૂ નહીં કરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા અન્ય કંપનીને કોન્ટ્રાકટર આપવામાં આવ્યો છતાં હજી સુધી જગ્યા ખાલી કરવામાં આવી નથી. જેથી યુનિવર્સિટીએ જગ્યા ખાલી કરવા ગાંધી ડેકોરેટર્સને નોટિસ ફટકારી છે. 

ગુજ.યુનિ.ના કુલપતિ હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે કન્વેશનલ સેન્ટર ખાલી કરવા ગાંધી ડેકોરેટર્સને નોટિસ ફટકારી છે. 15 દિવસનો સમય અપાયો છે. આ પછી કડક પગલાં ભરાશે. આ ઉપરાંત કંપનીએ ફાસ્ટફૂડ માટે ભાડે આપેલી જગ્યા પણ ખાલી કરાવી દેવા તાકીદ કરાઇ છે. નવા નિયમો કડક બનાવાયા છે. જે મુજબ કોઇ પણ કંપની પેટા ભાડાવાત રાખી શકશે નહીં અને રિન્યૂ પણ થઇ શકશે નહીં. સૂત્રો કહે છે કે ગુજ.યુનિ.ના કન્વેન્શન સેન્ટરના કોન્ટ્રાક્ટમાં સિન્ડિકટ સભ્યોએ રસ દાખવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ કોન્ટ્રાક્ટ આપવામાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખવામાં આવતું હતું. પરંતુ હાલ યુનિવર્સિટીની આવક વધે તે દિશામાં વધુ ધ્યાન અપાય છે. કરોડના ખર્ચે બનેલા કન્વેન્શન સેન્ટરમાં વિદ્યાર્થીઓ માટે એક પણ એક્ટિવિટી થતી નથી.