પોલીસને અરજી કરી પત્નીએ કહ્યું, ‘મારો પતિ છકડો ચલાવે છે, મને શરમ આવે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)

અમદાવાદ:
‘સાહેબ મારો પતિ છકડો ચલાવે છે. અમે સવર્ણ છીએ એટલે અમારી જ્ઞાતિમાં આવો ધંધો કોઇ ન કરે. અમને એના આ કામથી શરમ આવે છે. એને સમજાવો કે તે છકડો ચલાવવાનું છોડી બીજો કોઇ ધંધો કરે. જો તમે એને સજા નહીં કરો તો એ આખી જિંદગી છકડો જ ચલાવશે. એને સમજાવો કે બીજો ઘંધો કરે.’ આ શબ્દો છે નીતા નામની એક પરિણીતાના.
નીતાનાં લગ્ન 20 વર્ષ પહેલા થલતેજમાં રહેતા સુરેશ સાથે થયાં હતાં. તેમના લગ્નજીવન દરમિયાન તેમને 3 સંતાનો છે જેમાં એક દીકરો 17 વર્ષનો અને બીજો 13 વર્ષનો છે.
જ્યારે કે દીકરી 10 વર્ષની છે. સુરેશ છકડો ચલાવીને ઘરનું ગુજરાન ચલાવે છે, પણ નીતા તેને વારંવાર છકડો છોડીને અન્ય ધંધો કરવાનું દબાણ કરતા 12 મહિનાથી ઘરમાં રકઝક થાય છે. તેના લીધે નીતાના કહેવા પ્રમાણે સુરેશ ભાગી ગયો હતો.

નીતાએ તેના પતિ સામે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી કે જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે , ‘અમે સવર્ણ જ્ઞાતિના છીએ. તેમના છકડા ચલાવવાને લીધે અમને શરમ આવે છે. તેમના આ ધંધાને લીધે મારા દીકરાના લગ્ન સંબંધ કરવામાં મુશ્કેલી આવી શકે એમ છે. એમને અમે પ્લાયવૂડ હાર્ડવેરનો ઘંધો જે અમારી જ્ઞાતિને શોભે એમ છે એ કરવાનું કહ્યું પણ તેઓ પૈસા નથી અને મને નહીં ફાવે જેવા બહાના જ કાઢે છે. મારા સગાં તેમને ધંધામાં મદદ કરવા તૈયાર છે પણ તે માનતા નથી. તમે એને સજા કરજો નહીંતર તેઓ છકડો ચલાવવાનું જિંદગી ભર નહીં છોડે.’

ઉલ્લેખનીય છે કે નીતાની ઇચ્છાને માન આપી અને પોતાના સંસારને બચાવવા માટે તેના સુરેશે એક જગ્યાએ ઓફિસ વર્ક કરવાનું પણ શરૂ કર્યું હતું. જોકે તેણે ઘણા લાંબા સમયથી છકડો ચલાવ્યો હોવાથી તેમ જ તેને આ કામમાં ફાવટ હોવાથી તે બેક ઓફિસ કામ ન કરી શક્યા હતા. તેઓએ પોલીસને જણાવ્યું હતું કે, હું મારા પરિવારને મહેનત કરીને ખવડાવું છું. તેનાથી તેઓએ ખુશ રહેવું જોઇએ. હું કોઇ ચોરી કરીને તો પૈસા નથી લાવી રહ્યોને તો પછી શેની શરમ આવે. મારી આ કામમાં ફાવટ છે.

(પાત્રોના નામ બદલ્યા છે.)
અન્ય સમાચારો પણ છે...