અમદાવાદ : અમદાવાદ - મુંબઈ વચ્ચેનો મહત્વાકાંક્ષી હાઈસ્પીડ રેલ કોરિડોર ચાલુ થયા બાદ 6 વર્ષમાં પૂર્ણ કરી દેવાશે અને તેનું ભાડું પણ વિમાન યાત્રા કરતા સસ્તું હશે તેવી માહિતી આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આપી હતી. વધુમાં આ રૂટ પર સેમી હાઈસ્પીડ ટ્રેનો પણ દોડાવાશે. અમદાવાદ - મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર આ હાઈસ્પીડ બુલેટ ટ્રેન દ્વારા માત્ર 2 કલાકમાં જ પૂર્ણ કરી શકાશે. આ ટ્રેન મહત્તમ 350 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે જો કે તેની ઓપરેટિંગ સ્પીડ 320 કિમી પ્રતિ કલાકની રહેશે.
આ પ્રોજેક્ટનું કામ 6 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે
હાલ આ બન્ને આર્થિક શહેરોને જોડતી દુરન્તો એક્સપ્રેસ 7 કલાક જેટલો સમય લે છે. પ્રશ્નકાળ દરમિયાન એવો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો કે આ પ્રોજેક્ટ માટે ખૂબ મોટું ફંડ ફાળવ્યું છે. દેશના અન્ય ભાગોમાં ચાલતા પ્રોજેક્ટ પર તેની અસર થશે. રેલ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યો વચ્ચે કોઈ ભેદભાવ નથી. અન્ય રાજ્યોને પહેલા કરતા બમણું વધારે બજેટ ફાળવાયું છે. હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ જાપાન સરકાર દ્વારા આર્થિક અને ટેકનિકલ સહાયને આધારે મંજૂર કરાયો છે. અભ્યાસ રિપોર્ટ પણ જાપાનની ઇન્ટરનેશનલ એજન્સી દ્વારા પૂરો પડાયો હતો. અમદાવાદ - મુંબઈ વચ્ચે 508 કિલોમીટર સ્પેશિયલ રેલ કોરિડોર સ્થાપવા માટેનો અંદાજિત ખર્ચ રૂપિયા 98 હજાર કરોડ છે જે પૈકી 81 ટકા રકમની જાપાન લોન આપશે.