અમદાવાદ: રાત્રે ડ્રાઈવિંગ દરમ્યાન મોટાભાગના લોકોની આંખો સામેથી આવતી ગાડીની ફુલ હેડલાઈટના કારણે અંજાઈ જતાં અકસ્માત સર્જાતા હોય છે. જે બાબતે રિસર્ચ કરીને એલ.ડી. કોલેજના સ્ટુડન્ટ્સ દ્વારા ઓટોમેટિક લાઈટ કંટ્રોલ સેન્સર બનાવીને સોલ્યુશન આપવાનો પ્રયાસ કરાયો છે. આ ડિવાઈસ તમારા વાહનમાં ફિટ કરવાથી તમારી હેડલાઈટ વાહન નજીક આવતા જ નોર્મલ પ્રકાશ ફેંકવા માંડશે. જેથી રાત્રે આંખો અંજાવાથી થતાં અકસ્માતના પ્રમાણમાં ઘટાડો લાવી શકાશે.
એલ.ડી એન્જિ.ના સ્ટુડન્ટ્સે બાઈક, કારની લાઈટ ઓટોમેટિક ડીમ થઈ જાય તેવું સેન્સર બનાવ્યું
એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજમાં ઓટોમોબાઈલના ફાઈનલ યરના સ્ટુડન્ટસ તીર્થ પટેલ, મયુર જાદવ અને દિપક ચાવડાએ આ સેન્સર વિકસાવ્યું છે. આ અંગે તીર્થ પટેલે કહ્યું કે, ‘રાત્રે ફુલ લાઈટથી ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે.જેના સોલ્યુશન રૂપે આ સેન્સર બનાવવાનું વિચાર્યું, ચાર મહિનાની મહેનત બાદ અમને આ ડિવાઈસ બનાવવામાં સફળતા મળી છે. આ સેન્સર બાઈક કે કારમાં ફિટ કરીને ઓટોમેટિક રીતે હેડલાઈટને કંટ્રોલ કરી શકો છો. અમારુ આ ઈનોવેશનને એલ.ડી. એન્જિનિયરિંગ દ્વારા ઈનોવેશનનો એવોર્ડ પણ એનાયત કરાયો છે.
ડ્રાઈવરોના રિવ્યુ બાદ પ્રકાશમાં આવી ‘પ્રકાશ’ની સમસ્યા
સ્ટુડન્ટ્સ દ્વારા રાત્રે ગાડી ચલાવતા 30 જેટલા ડ્રાઈવરો પાસેથી ગાડી ચલાવતી વખતે જે સમસ્યાઓ આવતી હતી તે જાણવામાં આવી હતી. જેમાં ડ્રાઈવરોએ રાત્રે હેવી લાઈટને કારણે અંજાઈ જવાથી અકસ્માત સર્જાય છે તેવી વાત કહી હતી. જે બાબતને કેન્દ્રમાં રાખી અમે ડ્રાઈવરોની સમસ્યાના સમાધાનરૂપે આ સેન્સર વિકસાવ્યું છે.