• Gujarati News
  • Kankariya Diwan School Student Dengue : Notification To Full Size Cloth Wear

કાંકરિયા દીવાન સ્કૂલના બે વિદ્યાર્થીને ડેન્ગ્યુ, ફુલસાઇઝ પેન્ટ અને ફુલ ડ્રેસ પહેરવા સૂચના

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-પ્રિન્સિપાલની ચેમ્બરમાંથી જ મચ્છરના બ્રીડિંગ મળી આવ્યાં, સ્કૂલમાં ફોગિંગ કરાયું
-ફુલસાઇઝ પેન્ટ અને ફુલ ડ્રેસ પહેરવા સૂચના
અમદાવાદ : શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં હવે સ્કૂલ પણ બાકાત નથી. કાંકરિયાની જાણીતી દીવાન બલ્લુભાઈ સ્કૂલના ઇંગ્લિશ મીડિયમના પ્રાયમરીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને પણ ડેન્ગ્યુ થતા મ્યુનિ.હેલ્થ વિભાગ દોડતંુ થયું છે અને સ્કૂલમાં ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવાઈ હતી. અન્ય પાંચ વિદ્યાર્થીઓને પણ તીવ્ર તાવની અસર જણાઈ હતી, જેથી સ્કૂલમાં મેલેરિયા વિભાગ દ્વારા તપાસ કરાતાં પ્રિન્સિપાલની ચેમ્બર સહિત સ્કૂલ સંકુલના બે સ્થળેથી મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા હતા. આ અંગે સ્કૂલ પ્રિન્સિપાલ સુરેખા રાજપૂતે કહ્યું હતું કે, બે વિદ્યાર્થીને ડેન્ગ્યુ થતાં અમે વિદ્યાર્થીઓના યુનિફોર્મમાં ફેરફાર કર્યો છે. વિદ્યાર્થીઓને હાફ પેન્ટના બદલે ફુલ પેન્ટ પહેરવા અને વિદ્યાર્થિનીઓને ફુલ ડ્રેસ પહેરવા માટે હાલ પૂરતુ જણાવાયું છે.’

મણિનગર વિસ્તારમાં રહેતા અને કાંકરિયાની દીવાન બલ્લુભાઈ સ્કૂલ ખાતે પ્રાયમરીમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીને ડેન્ગ્યુ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ડો.ગૌરાંગ ઠક્કરે સ્કૂલ સત્તાધીશોના ધ્યાને આ હકીકત લાવી હતી અને સ્કૂલે મ્યુનિ.હેલ્થ વિભાગને આ અંગે જાણ કરી હતી, જેથી દક્ષિણ ઝોનના હેલ્થ વિભાગ અને મેલેરિયા વિભાગના સ્ટાફે સ્કૂલમાં જરૂરી તપાસ અને તકેદારીનાં પગલાં લેવાની કામગીરી હાથ ધરી હતી અને સ્કૂલમાં ફોગિંગ કર્યું હતું. દક્ષિણ ઝોન હેલ્થ ઓફિસર ડો. જી. ટી. મકવાણાએ આ અંગે કહ્યું હતું કે, ‘અમે સ્કૂલમાંથી મેળવેલા સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલ્યા છે, જેથી બાળકોને થયેલો ડેન્ગ્યુ કયા પ્રકારનો છે તેની ખાતરી શકાય.’
શાળાની બાજુમાં જ કન્સ્ટ્રક્શન સાઇટ

દીવાન બલ્લુભાઈ સ્કૂલની બાજુમાં આવેલા આબાદ ડેરી સંકુલમાં મલ્ટીલેવલ સ્પોર્ટ્સ કોમ્પ્લેકસનું નિર્માણ થઈ રહ્યું છે. તે સ્કૂલની એકદમ નજીક છે. આ કન્સ્ટ્રક્શન સાઇટ પર થયેલા વોટર લોગિંગના કારણે પણ મચ્છરો પેદા થયા હોવાની આશંકા હેલ્થ વિભાગે વ્યક્ત કરી છે.