બિલ્ડર ગ્રૂપ, ઇન્ડસ્ટ્રીયલ શેડ બનાવતી કંપની, જ્વેલર્સ પર આઈટીના દરોડા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આવકવેરા વિભાગે તબીબો અને બિલ્ડરો પર દરોડા, સર્ચ અને સર્વે હાથ ધર્યા બાદ હવે જ્વેલર્સ અને ઈન્ડસ્ટ્રીયલ શેડ બનાવતી કંપની તેમજ બિલ્ડર ગ્રુપ પર 7થી 8 સ્થળે દરોડા અને સર્વેનો સિલસિલો જારી રાખ્યો છે. આવકવેરા વિભાગે, ગુરૂવારે સવારે હાથ ધરાયેલ સર્વે અને દરોડામાં મહત્વના દસ્તાવેજો જપ્ત કરાયા છે અને મોડી રાત સુધી તપાસ ચાલી રહી હતી તેમજ શુક્રવારે પણ ઈન્કમટેક્સની તપાસ જારી રહેશે. આઈ.ટી. વિભાગે, દરોડા અને સર્વેની કવાયત હાથ ધરવાને પગલે કરચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. આ સર્વે અને દરોડામાં મોટાપાયે કરચોરી પકડાય તેવી શક્યતા છે.

આઈટી વિભાગે ઈન્ડસ્ટ્રીયલ અને ફેક્ટરી શેડ બનાવતી કંપની શારદા ગ્રૂપની ઓફિસ સહિત 4 સ્થળે સરવે હાથ ધર્યો

સૂત્રોના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકારે જાહેર કરેલ ઈન્કમ ડીક્લેરેશન સ્કીમ પૂરી થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઈન્કમટેક્સ વિભાગ સક્રિય બન્યો છે અને સર્ચ, સર્વે અને દરોડાની કવાયત હાથ ધરી હોય તેમ લાગી રહ્યું છે. આવકવેરા વિભાગે, ઈન્ડસ્ટ્રીયલ અને ફેક્ટરી શેડ બનાવતી કંપની શારદા ગ્રુપની ઓફિસ સહિત 4 સ્થળે સર્વે હાથ ધરાયો છે. શારદા ગ્રુપની સી. જી. રોડ પરની ઓફિસ તેમજ વટવા ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ 3 સ્થળે આઈ.ટી. અધિકારીઓ ત્રાટક્યા હતા.

સીજી રોડની ઓફિસ સહિત 8 સ્થળે મોડી રાત સુધી તપાસ: મહત્ત્વના દસ્તાવેજો જપ્ત

મોડી રાત સુધી તપાસ ચાલી રહી હતી અને શુક્રવારે પણ સર્વે જારી રહેશે. શહેરના પૂર્વ વિસ્તાર તેમજ અન્ય સ્થળે કન્સ્ટ્રક્શન સાઈટ અને ઓફિસ ધરાવતા અગ્રણી બિલ્ડર ગ્રુપ પણ આવકવેરાની ઝપટમાં આવી ગયું છે. આ બિલ્ડર ગ્રુપની ઓફિસ સહિત 3 સ્થળે ઈન્કમટેક્સ વિભાગે સર્ચ અને સર્વે કરવામાં આવી રહ્યો છે. આવકવેરા વિભાગે, શહેરમાં પ્રતિષ્ઠિત સ્થળે શો રૂમ ધરાવતા અગ્રણી જ્વેલર્સ પર પણ દરોડા અને સર્વે હાથ ધર્યો છે. શહેરમાં લગભગ 8 સ્થળે આઈ.ટી. અધિકારીઓ ત્રાટક્યા હતા. આવકવેરા અધિકારીઓને મહત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. મોડી રાત્રે પણ તપાસ ચાલી રહી છે અને શુક્રવારે પણ આઈ.ટી.ની તપાસ જારી રહેશે.
અન્ય સમાચારો પણ છે...