શહેરની એક ચિલ્ડ્રન એકેડમીના બાળકો 23 જુલાઇથી 6 ઓગસ્ટ સુધી યોજાનારા ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલ અંતર્ગત લંડન, ફ્રાન્સ, લેસ્ટર અને સ્વિટઝરલેન્ડ જેવા દેશોના પ્રવાસે જઇ રહ્યાં છે.
અમદાવાદ: શહેરની એક ચિલ્ડ્રન એકેડમીના બાળકો આ વર્ષે ઇન્ડિયન કલ્ચરલ પ્રોગ્રામ માટે યુ.કે તેમજ યુરોપના પ્રવાસે જશે. છેલ્લા 7 વર્ષથી આ ચિલ્ડ્રન એકેડમીમાંથી 10 થી 14 વર્ષના બાળકો પોલેન્ડ, સ્વિટઝરલેન્ડ, સાયપ્રસ ,લંડન,દુબઈ જેવા વિવિધ દેશોમાં ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરે છે. આ વર્ષે પણ આ એકેડમીના 12 બાળકો યુ.કે અને યુરોપમાં આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા જઈ રહ્યા છે. 23 જુલાઈ થી 6 ઓગસ્ટ સુધી આ બાળકો લંડન, લેસ્ટર, ફ્રાંસ, તેમજ સ્વિટઝરલેન્ડના પ્રવાસે જઈ રહ્યાં છે. યુ.કેમાં તેઓ હિંદુ મંદિર ખાતે ઇન્ડિયન કલ્ચર પ્રોગ્રામ અને યુરોપમાં ઇન્ટરનેશનલ ફોક ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યાં છે.
આ વિશે વાત કરતાં કોરિયોગ્રાફર તિર્થરાજ ત્રિવેદી જણાવે છે કે, ‘આ બધા દેશોમાં જે પર્ફોમન્સ આપવાના છે તેમાં તેઓ આપણું ગુજરાતી ‘ફટાણા’, ‘ઇન્ડિયા વાલે’, ‘રામલીલા’ , અને ‘હનુમાન ચાલીસા’ જેવા ગીતો ઉપર પર્ફોર્મ કરવાના છે. આમ તો સમગ્ર ગુજરાતમાંથી ઘણા ગ્રુપ વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિને ઉજાગર કરી ચૂક્યા છે. પણ ફક્ત બાળકોના ગ્રુપને વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ ને ઉજાગર કરનાર સમગ્ર ગુજરાત ખાતે તેઓ એકલા જ છે. ’