જુહાપુરામાં પ્રેમિકા અને પતિએ પત્ની પર પાઈપથી હુમલો કર્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  જુહાપુરાના બિલ્ડરે પોતાની પત્નીને માથામાં લોખંડની પાઈપ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોતાના પતિ 1 વર્ષથી અન્ય મહિલા સાથે સબંધ હોવાની જાણ થતાં પત્ની ઓફિસે પહોંચી ગઈ હતી. જ્યાં પતિ સાથે તેની પ્રેમિકાને જોતાં પત્નીએ ઝગડો કર્યો પરંતુ પતિ, પ્રેમિકા અને સાગરીતે મળી ને મહિલાને માર માર્યો હતો.
 
છેલ્લા એક વર્ષથી સંબંધ હતો, પ્રેમિકાએ જાનની ધમકી આપી હતી
 
જુહાપુરા બ્લિશ રેસિડેન્સીમાં રહેતી વહીદાબેન મુસ્તુફાભાઈ વોરા (45) એ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના લગ્ન મુસ્તુફાભાઈ વોરા સાથે 22 વર્ષ પહેલાં થયાં હતાં.તેમને સંતાનમાં ત્રણ બાળકો છે. જ્યારે તેમના પતિ સરખેજ-જુહાપુરા રોડ પર મુહિબ કોર્પોરેશન નામથી ઓફિસ ધરાવી બિલ્ડર તરીકે વ્યવસાય કરે છે.વહીદાબેનનો આક્ષેપ છે કે તેમના પતિ છેલ્લા 1 વર્ષથી યાસ્મીન શેખ નામની યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવે છે અને યાસ્મીન શેખે વહીદાબેનને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.  વહીદાબેનના આક્ષેપ અનુસાર, 27 જૂનના રોજ સવારે 9 વાગે મારા પતિ તેમની ઓફિસ ગયા હતા. જ્યાંથી રાત સુધી પરત આ‌વ્યાં ન હતાં. જેથી હું અને મારી દીકરી ફાતીમા સરખેજ ખાતે અમારી ઓફિસ ગયા જ્યાં મારા પતિ મસ્તુફાભાઈ, યાસ્મીન શેખ અને નાસીર બલૂચ હાજર હતાં. જ્યાં વહીદાબેને પોતાના પતિની ઓફિસમાં યાસ્મીન છે તે જાણતાં  બોલાચાલી થઈ હતી. જેમાં યાસ્મીને નાસીર બલૂચ સાથે મળીને વહીદાબેન અને તેમની દીકરી ફાતીમાને માર માર્યો હતો અને નાસીર બલૂચે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.  બાદમાં બિલ્ડર મુસ્તુફાભાઈએ લોખંડની પાઈપ માથામાં મારતા વહીદાબેનને  ગંભીર ઈજા થતાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.