• Gujarati News
  • Highcourt Order Again On Adani Port Tree Demolition Issue

કલેક્ટરને ફરી હાઈકોર્ટનો આદેશ : મેન્ગ્રુવ્સ નિકંદન મુદ્દે કમિટી રચો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કલેક્ટરને ફરી આદેશ: અદાણીએ કોર્ટના આદેશનું પાલન ન કરતા કન્ટેમ્પ્ટ પિટિશન થઇ હતી
-હાઇકોર્ટે સમિતિ રચવા વધુ બે સપ્તાહનો સમય આપ્યો
અમદાવાદ : કચ્છમાં અદાણી દ્વારા બનાવામાં આવેલા પોર્ટ પર મેન્ગ્રુવ્સના અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યા બાબતે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સમિતિ બનાવવા માટે હાઇકોર્ટે વધુ બે સપ્તાહનો સમય આપ્યો છે. બીજી તરફ આવા કેસમાં વારંવાર કેસો અને તપાસ સમિતિનો સામનો કર્યો હોવાથી મુક્તિ આપવા માટે અદાણી દ્વારા કરાયેલી રજૂઆત કોર્ટે ધ્યાને લીધી ન હતી.

કચ્છમાં દરિયાકિનારે અદાણી પોર્ટના બાંધકામ સમયે અનેક મેન્ગ્રુવ્સના વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું હોવા બાબતે થયેલી પિટિશનમાં હાઇકોર્ટે અદાણીને કેટલાક વૃક્ષો ઉછેરવા માટે આદેશ આપ્યો હતો. જોકે અદાણીએ હાઇકોર્ટના આદેશનું પાલન નહીં કર્યું હોવા અંગે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે સોમવારે સરકાર તરફે એવી રજૂઆત કરાઇ હતી કે, તેઓ કલેક્ટરની અધ્યક્ષતામાં અન્ય કયા અધિકારીઓ રહેશે તે બાબતે યોગ્ય નિર્ણય લેવાયો નથી. જેથી વધુ એક મુદત આપવા દાદ માગવામાં આવી હતી. હાઇકોર્ટે આગામી મુદતે વન અને પર્યાવરણ વિભાગના અધિકારી તેમજ જિલ્લા કલેક્ટરને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કલેકટરની અધ્યક્ષતાવાળી કમિટીને સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

બીજી તરફ અદાણી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોર્ટના બાંધકામમાં તેમને અવારનવાર અલગ અલગ કેસોનો સામનો કરવો પડ્યો છે. એટલું જ નહીં અલગ અલગ સમિતિઓ દ્વારા તપાસ કરાવવામાં આવી છે. તેથી હવે આ વધારે એક સમિતિમાંથી મુક્તિ આપવા દાદ માગવામાં આવી હતી. જોકે હાઇકોર્ટે તેમને સ્પષ્ટ કર્યું હતું કે, પર્યાવરણના નુકસાનનો મામલો છે તેથી આ બાબતે ગંભીરતાથી લેવી આવશ્યક છે.