અમદાવાદ: ભાજપના આંતરિક વિવાદને લીધે વિપક્ષી નેતાની નિમણૂક થતી નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : અમદાવાદ જિલ્લા પંચાયતમાં નવા બોર્ડના કાર્યકાળને આઠ મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં હજી સુધી વિપક્ષ ભાજપે નેતાની નિમણૂક કરી નથી. વિપક્ષના નેતા નહીં નિમવાના કારણે કોંગ્રેસના સભ્યોમાં વિકાસના નામે આડેધડ નિર્ણય કરી રહ્યા હોવાનો ભાજપના કેટલાક સભ્યોએ આક્ષેપ કર્યો છે. જિલ્લા ભાજપના ટોચના હોદ્દેદારો જિલ્લા પ્રમુખ વિદેશ હોવાનું બહાનું કાઢી વાત ટાળતા હતાં.

જિલ્લા પ્રમુખ વિદેશથી આવી ગયા બાદ હવે સભ્યો રજૂઆત કરશે

હવે અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ આર.સી.પટેલ વિદેશથી પરત આવી ગયા છે. જેથી વિપક્ષના નેતાની નિમણૂક માટે સભ્યોમાં ચર્ચા ચર્ચાઇ રહી છે. ભાજપના એક સભ્ય નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે ભાજપમાં આંતરિક વિવાદના કારણે વિપક્ષના નેતાની નિમણૂક કરાતી નથી. હવે પ્રવેશ મહોત્સવ ત્યારબાદ સાણંદમાં ભાજપના હોદ્દેદારોની બેઠક બાદ નિમણૂક પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે.
એક સભ્યએ આક્ષેપ કર્યો હતો કે જિલ્લા પંચાયતમાં વિપક્ષ નેતા નહીં હોવાના કારણે સત્તાપક્ષ કોંગ્રેસના હોદ્દેદારો વિકાસના નામે આડેધડ નિર્ણય લઇ નાણાનો વ્યય કરી રહ્યા છે. જેના કારણે જિલ્લાની તિજોરીને આર્થિક નુકસાન થઇ રહ્યું છે. આ સ્થિતિમાં વિપક્ષની નિમણૂક મહત્વની છે. પરંતુ આંતરિક વિવાદને લીધે ભાજપના આગેવાનો ડરી રહ્યા છે. તેઓ બજેટ બેઠક અંગે થયેલી રિટમાં હાઇકોર્ટના આવનાર નિર્ણયની રાહ જોઇ રહ્યા છે. કોર્ટના પરિણામ બાદ વિપક્ષની નિમણૂક કરે તેવી શક્યતા છે. આ અંગે જિલ્લા પ્રમુખ આરસી પટેલે જણાવ્યું હતું કે ટૂંકસમયમાં નિમણૂક થઇ જશે.
અન્ય સમાચારો પણ છે...