અમદાવાદ: અમદાવાદના સોના-ચાંદી બજારમાં અંદરખાને હજી પણ 500-1 હજારની જૂની અને પ્રતિબંધિત નોટો પર કિંમતી ધાતુની લે-વેચ બિન્ધાસ્ત ચાલુ છે જેમાં ગ્રે માર્કેટના પ્રીમિયમ રેટ લાગુ પડે છે. આ ચર્ચા છેક યુપી સુધી થઈ રહી છે અને સોમવારે ગાઝિયાબાદથી જૂની નોટના બદલામાં ઊંચા ભાવે સોનાનું બિસ્કિટ વેચવા આવેલો વેપારી ઝડપાયો હતો.
1 કિલો સોના સાથે ગાઝિયાબાદના રોમેશ યાદવને ઝડપી લીધો
500 અને 1000 ની નોટો લઈને 30 લાખની કિંમતનું 1 કિલો વજનનું સોનાનું બિસ્કીટ 45 લાખમાં વેચવા ઉત્તરપ્રદેશથી અમદાવાદ આવેલા વેપારીને માધવપુરા પોલીસે ઝડપી લીધો હતો. માધવપુરા માર્કેટ વેપાર ભુવનમાં શ્રી બ્રહ્માણી જોબવર્ક એન્ડ ગારમેન્ટ નામની દુકાન ધરાવતા વેપારી ચમનભાઇ દરજી અને તેમના ભાઇ સુરેશભાઇ દરજીની દુકાનમાં એક વેપારી 1 કિલો સોનુ વેચવા આવ્યો હોવાની જાણ તેમણે પોલીસને કરી હતી. આ સંદેશો મળતા જ માધવપુરા પીઆઈ ખીલેરીએ 1 કિલો સોના સાથે ગાઝિયાબાદના રોમેશ યાદવને ઝડપી લીધો હતો.
જૂની નોટથી લે-વેચમાં સોનાનો ભાવ રૂ.32-33 હજાર અને ચાંદીના 45 હજાર
હાલ 500-1 હજારની ચલણી નોટ પર ભલે સરકારનો કહેવા પૂરતો પ્રતિબંધ રહ્યો પણ અમદાવાદના સોના-ચાંદીના બજારમાં રૂપિયા એક હજારની નોટોનો અંદરખાને વ્યવહાર ચાલી રહ્યો છે. જૂની નોટોમાં ખરીદી કરવી હોય તો તોલાએ વધુ રૂપિયા ચૂકવવા પડે છે અને વેચાણ કરવું હોય તો પણ સામે વધુ રૂપિયા મળે છે. અમદાવાદમાં સોમવારે 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 28,500 જેટલો બોલાયો હતો. પરંતુ ગ્રે માર્કેટમાં 500-1 હજારની ચલણી નોટ પર વ્યવહાર કરવો હોય તો 22 કેરેટ (દાગીના) સોનાનો લે-વેચનો ભાવ રૂ.32થી 33 હજાર જેટલો ચાલે છે. જ્યારે ચાંદીનો સત્તાવાર ભાવ રૂ.41 હજાર જેટલો છે. ત્યારે ગ્રે માર્કેટમાં તેનો ભાવ રૂ.45 હજારની આસપાસ છે.
ખાનગી માર્કેટમાં સોનાનો ભાવ 32 હજાર અને ચાંદીનો 45 હજાર
સોની બજારમાં આ રીતે પ્રતિબંધિત 500-1 હજારની ચલણી નોટો પર સોનું અને ચાંદી ઊંચી કિંમતી ખરીદાતું તેમજ વેચાતું હોવા છતાં તેની સામે કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી. આ કારણથી જ હવે લોકો અંદર ખાને 1000ની નોટના નિકાલ માટે બજારમાંથી ઊંચા ભાવે સોના-ચાંદીની ખરીદી કરવા લાગ્યા હતા. આ ખરીદીમાં થતાં તમામ વ્યવહાર ખાનગી રાખવામાં આવે છે. સોમવારે નવી નોટોમાં સોનાનો ભાવ 29,800 હતો અને ચાંદીનો ભાવ 41,500 હતો. જ્યારે જૂની નોટોમાં ખાનગી માર્કેટમાં સોનાનો ભાવ 32 હજાર અને ચાંદીનો 45 હજાર હતો.
આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...