તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરંગપુરાની સ્ટીલ કંપની સાથે તુર્કીની કંપની દ્વારા 90 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સીઆઈડી ક્રાઈમે નોઈડાથી સીઈઓને ઝડપી લીધો

અમદાવાદ: નવરંગપુરાની શ્રીજી એન્ટરપ્રાઈસ નામની સ્ટીલ કંપનીએ તુર્કીની કંપનીના સંચાલકો સામે રૂ. 90 લાખની ઠગાઈ આચર્યાનો આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદને પગલે સીઆઈડી ક્રાઈમની ટીમે તુર્કીની કંપનીની નોઈડા સ્થિત ઓફિસના સીઈઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ નવરંગપુરાની શ્રીજી એન્ટરપ્રાઈસ નામની કંપનીના ચીફ એકાઉન્ટન્ટ કિરણ ત્રિવેદીએ સીઆઈડી ક્રાઈમમાં દોઢ વર્ષ અગાઉ અરજી આપીને તુર્કીની ફરનાઝ કન્સ્ટ્રક્શન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ કંપનીના સંચાલકો સામે રૂ. 90 લાખની ઠગાઈ આચર્યાનો આક્ષેપ કરતી અરજી કરી હતી. આ અરજીના આધારે સીઆઈડી ક્રાઈમે છેલ્લા એક માસના ગાળામાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં ખૂલેલી વિગત મુજબ ઓએનજીસી,આઈઓસી અને જીએસપીસીની સાઈટનો બાંધકામ કોન્ટ્રેક્ટ ધરાવતી ફરનાઝ કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકો ફરહાન નઝીઉલ્લાહ,અમીન નઝીઉલ્લાહ અને કંપનીના સીઈઓ રોહિત સિંઘાલ છે.

આ કંપનીને નવરંગપુરા સ્થિત શ્રીજી એન્ટરપ્રાઈસ દ્વારા સ્ટીલ પૂરું પાડવામાં આવતું હતું. ભરૂચના દહેજ ખાતે ફરનાઝ કન્સ્ટ્રકશનને રૂ. 14 કરોડનું સ્ટીલ શ્રીજી કંપની દ્વારા આપવામાં આવ્યું હતું. આ સોદા પેટે રૂ.11 કરોડની રકમ ચૂકવાઈ જ્યારે બાકીની રૂ.ત્રણ કરોડની રકમ ભવિષ્યમાં બીજો માલ આપશો ત્યારે ચૂકવીશું તેમ શ્રીજી કંપનીને જણાવવામાં આવ્યું હતું. તે પછી રૂ. એક કરોડનો માલ શ્રીજી કંપનીએ સપ્લાય કરતાં બાકીના રૂ. ત્રણ કરોડની રકમ ફરનાઝ કંપનીએ ચૂકવી દીધા તેમજ રૂ. એક કરોડની રકમ બાકી હતી. તે પછી રૂ. 10 લાખની રકમ શ્રીજી કંપનીને ફરનાઝ કંપનીએ ચૂકવીને બાકીના રૂ. 90 લાખની રકમ ચૂકવી ન હતી.

બાકીની રકમ ચૂકવવા માટે ફરનાઝ કંપનીના સંચાલકો ગલ્લાતલ્લાં કરતા હોવાનું ફરિયાદમાં શ્રીજી કંપનીના ચીફ એકાઉન્ટન્ટ કિરણ ત્રિવેદીએ જણાવ્યું છે. સીઆઈડી ક્રાઈમે કિરણ ત્રિવેદીને ફરિયાદને પગલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ઘણી ઊંડી જાળ બિછાવાઈ હોવાનું પણ હાલના તબક્કે પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

સીઆઈડી ક્રાઈમે બંધ ઓફિસે ટપાલ લેવા આવતા સીઈઓને પકડી પાડ્યો

સીઆઈડી ક્રાઈમે ફરનાઝ કન્સ્ટ્રક્શન કંપનીની નોઈડા સ્થિત ઓફિસે તપાસ કરતાં લોક લાગેલા હતા. કંપનીના સંચાલકોને નોટિસ મોકલવા છતાં કોઈ જવાબ મળતો ન હતો. દરમિયાનમાં સીઆઈડી ક્રાઈમના પીઆઈ આઈ.આઈ. શેખે તપાસ કરી ઓફિસના પટાવાળાની પૂછપરછ કરતાં તેને કંપનીના સીઈઓ અગત્યની ટપાલો લેવા ઓફિસે આવતાં હોવાની જાણકારી આપી હતી. જેના આધારે પોલીસે રોહિત સિંઘાલની ધરપકડ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...