સાબરમતી બંને કાંઠે : તમામ બ્રિજ પર ઉમટી પડ્યાં અમદાવાદી, ડ્રોન તસવીરમાં નજારો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રિવરફ્રન્ટ લોકો માટે હજુ બે દિવસ બંધ રહેશે
-ધરોઈ ડેમમાંથી વધુ 76 હજાર ક્યુસેક પાણી છોડાતાં સાબરમતી બંને કાંઠે છલકાઈ
-ચંદ્રભાગા સહિતના નીચાણવાળા વિસ્તારોમાંથી 600નું સ્થળાંતર
-ધસમસતો પ્રવાહ જોવા તમામ બ્રિજ પર અમદાવાદીઓ ઊમટી પડ્યા
-અસર : વરસાદથી ઠેર-ઠેર રોડ તૂટ્યા, નીચાણવાળા વિસ્તારોમાં નદીનાં પાણી પ્રવેશ્યાં

અમદાવાદ : ઉપરવાસના વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી તબક્કાવાર સાબરમતી નદીમાં બે લાખ ક્યુસેક પાણી છોડતા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. બુઘવારે મધરાતે સુભાષબ્રિજ ખાતે પાણીની સપાટી સામાન્ય કરતા 18 ફુટ જેટલી વધી ગઈ હતી. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસમાં નદીના પાણી બેક મારતા મધરાતે જ અંડરપાસ વહેલીસવાર સુધી બંધ રાખવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, નદીની આસપાસના ચંદ્રભાગા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ઘૂસી જતા 600 જેટલા પરિવારોનું રાત્રે જ સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ધરોઈ ડેમમાંથી છોડાયેલું બે લાખ પૈકીનું 76 હજાર ક્યુસેક પાણી હજુય નદીમાં આવવાનું બાકી હોવાના કારણે વધુ બે દિવસ નાગરિકો માટે રિવરફ્રન્ટ પર પ્રવેશબંધી કરાઈ છે. ઘણા વર્ષો પછી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા માટે અમદાવાદીઓ નદી કાંઠે ઉમટી પડ્યા હતા. ગુરુવારે સાંજે ચાર વાગ્યે પાણીની સપાટી 132 ફૂટ સુધી ઘટી ગઈ હતી. સુભાષબ્રિજ ખાતે પણ પાણીની સપાટી ગુરુવારે સાંજે 42 મીટર સુધી પહોંચી હતી.

જો કે, મધરાતે પાણીની આવક વધવાની સાથે જ અંડરપાસ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ડેપ્યુટી મ્યુનિ.કમિશનર આઈ.કે.પટેલે કહ્યું કે, હજુ ધરોઈમાંથી છોડેલું 76 હજાર ક્યુસેક પાણી નદીમાં આવતા આઠથી બાર કલાકનો સમય લાગશે. પણ આ સમયે પણ કોઈ જાનહાનિ સર્જાય નહીં તે માટે રિવરફ્રન્ટ હજુ બે દિવસ નાગરિકો માટે બંધ રખાશે. રિવરફ્રન્ટના બે અંડરપાસ અને શાહીબાગ તથા મીઠાખળી અંડરપાસ ગુરુવારે સવારે દસ વાગ્યે ચાલુ કરાયા હતા.’

રિવરફ્રન્ટ પર સાપનો રાફડો ફાટ્યો, નદીમાં મૂકેલા VIP ફુવારા તણાયા

સાબરમતીમાં પાણીનું લેવલ વધતા સાપનો રીતસર રાફડો ફાટી નીકળ્યો હતો. પાણી સાથે જ સાપ રિવરફ્રન્ટના લોઅર ભાગમાં દાદરાઓ પર ચઢી ગયા હતા. 20થી વધુ સાપ એક સાથે સુભાષબ્રિજ વિસ્તારમાં જોવાયા હતા. ચીનના રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે નદીમાં મૂકેલા બે ફુવારા પણ તણાઈ ગયા હતા. રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનન્ટ ખાતેના સ્ટ્રીટલાઈટના સંખ્યાબંધ પોલ અને 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા.
કેટલા પરિવારોનું સ્થળાંતર

પશ્ચિમ 250
નવા પશ્ચિમ 60
દક્ષિણ 02
મધ્ય 25
આગળ વાંચો સાબરમતી ગાંડીતૂર થતાં મદદે પહોંચ્યું, અમદાવાદ ફાયરબ્રિગેડે 29 લોકોને ઉગારી લીધા, અને જુઓ ડ્રોન તસવીરો....