અમદાવાદ : ઉનાનાં મોટા સમઢીયાળા ગામની સીમમાં 11 જુલાઈ 2016ના રોજ 4 દલિત યુવાનો પર થયેલા અત્યાચારની ખરી હકીકત જાણવા માટે 7 દલિત કર્મશીલોની એક ટુકડીએ ઉનાની મુલાકાત લઈને 3 દિવસ દરમિયાન ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ બનાવ્યો છે. અમદાવાદ ખાતે આ રિપોર્ટને જાહેર કરતા આ સમિતિએ જણાવ્યું કે ‘ગતિશીલ ગુજરાતમાં હાલ દલિતોની અધોગતિ જોવા મળી રહી છે.
દલિતો પરનો હુમલો એ પૂર્વ નિયોજિત કાવતરું
સમગ્ર ઘટનાની તપાસ કરતાં એ સ્પષ્ટ થાય છે કે આ પોલીસ અને ગામના સરપંચ પ્રફુલભાઈ તથા તેમના સાગરીતોએ ભેગા મળીને રચેલું પૂર્વ નિયોજિત કાવતરું છે. જેમાં પોલીસને ફક્ત સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે, પોલીસને ગુનામાં આરોપી બનાવવા જરૂરી છે. રાજ્યમાં મરેલા ઢોરને ઉપાડવાનું કામ ફક્ત દલિત સમાજના લોકો કરે છે. જો તે માટે પણ તેમને અત્યાચાર સહન કરવો પડતો હોય તો હવે પછી દલિત સમાજ મરેલા ઢોર ઉપાડવાનું બંધ કરશે’.
ઉના દલિત અત્યાચારનો ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ
સમિતિએ પીડિત પરિવારોને રૂ. 10 લાખની સહાય આપવાની માંગ કરી હતી અને હાઈકોર્ટના ન્યાયાધીશના વડપણ હેઠળ તપાસ સમિતિ રચવાની માંગ પણ કરી હતી. દલિત સમાજે ચીમકી ઉચ્ચારી છે કે જો જરૂરી પગલાં નહીં લેવાય તો દલિત સમાજ સામૂહિક રીતે ધર્મ પરિવર્તન કરશે.
ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિએ કરેલી માગણીઓ
ગૌરક્ષક સમિતિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે, સરપંચ પ્રફુલભાઈની સંડોવણીની તપાસ કરવામાં આવે, પ્રીવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ (2015) મુજબ 60 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવે, કેસ ચલાવવા ખાસ સરકારી વકીલ નિમવામાં આવે, તમામ જવાબદાર પોલીસ કર્મીઓને આરોપી બનાવવામાં આવે, પીડિતો અને સાક્ષીઓનું સીઆરપીસી 164 હેઠળ નિવેદન લેવામાં આવે, પીડિતોને વચગાળાની રાહત રૂપે રૂ. 10 લાખનું વળતર ચૂકવવામાં આવે.
રાજ્યમાં દલિતોનો કામ નહીં કરવાનો નિર્ણય
ફેક્ટ ફાઈન્ડિંગ સમિતિ તેમજ દલિત સ્વાભિમાન આંદોલનના સભ્યોએ જાહેર કર્યું છે કે ‘હવેથી દલિતો રાજ્યભરમાં ક્યાંય પણ મરેલા ઢોરનો નિકાલ કરવાનું કામ નહીં કરે. ઉનાના 42થી વધારે ગામોના દલિતોએ તો આ કામ નહીં કરવાનો નિર્ણય જાહેર કરી જ દીધો છે, હવેથી રાજ્યભરના દલિતો પણ મરેલા પશુઓનો નિકાલ કરવાનું કામ નહીં કરે.
આગળ વાંચો એટ્રોસિટી એક્ટનો અમલ જ થતો નથી