અમદાવાદ: ‘મારા સફરનામામાં ઘણુ ઉમેરી શકાય પણ આત્મશ્લાઘા અને પરનિંદાના બે અણીદાર ખડોકોની વચ્ચેથી નાવડું સહીસલામત બહાર કાઢવું મુશ્કેલ છે. તેવી કુશળ નાવિક હું નથી. આ એક એવી સફર છે જેમાં પૂછ્યા વિના જ દાખલ કરી દેવાય છે. મારા માટે જેકપોટ એ વાતનો હતો કે મારા પેરન્ટ વિરલ હતાં તેમણે મને મોકળાશ તો આપી તેની સાથે પ્રેમ અને શિસ્ત આપ્યા. આ લખવાનો કારાભાર 5-6 વર્ષની ઉંમરે શરૂ કર્યો હતો. તેમાં જાતને પત્રો લખતી. પછી તો 16 વર્ષની ઉંમરે વાર્તા પણ લખી. પછી તો શું કહું ‘ભવની ભવાઈ’ની સ્ક્રિપ્ટ, નાટક ‘કોલસાની રામાયણ’ અને બીજા સર્જનો પણ થયાં’ આ શબ્દો છે સાહિત્યકાર અને શિક્ષણવીદ્દ એવા ધીરૂબહેન પટેલના. ગુજરાત વિશ્વકોષમાં ‘જિંદગીની સફર’ અંગે તેમણે વાત કરી હતી.
બુધવારે જાણીતા સાહિત્યકાર અને શિક્ષણવીદ્ ધીરુબહેન પટેલનું વિશ્વકોષમાં‘જિંદગીની સફર’ વિષય પર લેક્ચર યોજાયું
90 વર્ષિય ધીરુબહેને કહ્યું કે, ‘મારું ભણવાનું પૂર્ણ થયું નથી, શીખવાનું ચાલુ છે.’ ગાંધીજી સાથેનો પ્રસંગ યાદ કરતાં તેમણે કહ્યું કે, ‘મારા નાની સાથે હું 4 વર્ષની હતી ત્યારે ગાંધીજીને મળવા જતી. બાપુ કહેતાં ‘તને શું આવડે છે?’ ત્યારે હું કહેતી વાંચતા લખતાં બધુ જ. બાપુ જોયું ના જોયુ કરીને બીજા સાથે વાતે વળગતાં. પછી હું કહેતી ‘હા... મારો રૂમાલ તો હું જાતે જ ધોઉં છું. ’ બાપુ ખડખડાટ હસી પડતાં અને મારા ગાલે ટપલી મારતાં. આજે પણ મારો એક ગાલ બાપુની ટપલીથી વિભૂષિત છે.’
-ધીરુબહેન સાથે વાતચીત: આજે પાછું વર્ગ વિગ્રહનું વાતાવરણ જોર પકડતું જાય છે
-આજની સામાજિક સમસ્યા શું છે?
જવાબ: મને લાગે છે આજે કટુંબો વેરવિખેર થઈ રહ્યાં છે. તેના કારણે જ મોટી સમસ્યાઓ સર્જાઈ છે. જે હૂંફ મળવી જોઈએ તે મળતી નથી અને બાળકોથી લઈને તેમના પેરેન્ટસ પણ અશાંતિ અનુભવે છે.
-સાહિત્ય શું સેવા કરી શકે?
આજે સાહિત્ય ઓછુ વંચાય છે તેનું દુ:ખ છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય પર વધારે ઝોંક છે તેના બદલે કુટુંબમાં સર્વાનુમતે જે નિર્ણય લેવાય તેવી ભાવના જ રહી નથી. વિશ્વના તમામ સાહિત્યમાં જે પડ્યું છે તેમાંથી શું સારું છે અને તેનો અમલ થઈ શકે તે માટે યુવા સાહિત્યકારોએ આગળ આવવાની જરૂર છે. પછી તે માટે કવિ સંમેલન દ્વારા કે બીજા સાહિત્યીક સંમેલન અને સામાજિક નાટકો દ્વારા સેવા થઈ શકે.
-અનામત આંદોલન અને સમાજમાં વર્ગ વિગ્રહ વિશે તમારો મત શું છે?
જવાબ: આપણે જ્યારે એક વિશેષ અધિકાર માંગીએ છીએ ત્યારે તેનાથી જ બધું ઉભુ થાય છે. બંધારણમાં માત્ર 10 વર્ષ જ અનામતની વાત હતી. પછી તો બધાને સમાન તક મળવી જોઈએ. વાત રહી આર્થિક અસમાનતાની તો જેમના બાળકો ભણી ન શકે તેમની માટે થાય એટલુ કરવું જોઈએ. પણ આગળ આવવા માટે બીજાને પાછળ પાડી દેવાથી કોઈ ફાયદો નથી. આજે પાછો વર્ગ વિગ્રહનું વાતાવરણ જોર પકડતું જાય છે તે સમાજમાં અશાંતિ લાવે છે તેને કાબૂમાં રાખવી જોઈએ.