તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: પિતાએ પુત્રો પાસે ખાધાખોરાકી માંગી, કોર્ટે અરજી ફગાવી દીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અન્ય સ્ત્રી સાથે રહેતા પતિએ પોતાની પત્નીને ભરણપોષણ આપવું ના પડે તે માટે પોતાના યુવાન પુત્રો પાસે ખાધા ખોરાકી માટે કરેલી અરજી ફેમિલી કોર્ટના જજ પી.પી.મેખિયાએ ફગાવી દીધી છે. પોતાની આવક છુપાવી વર્ષે રૂ. 7 લાખ  ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરી કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ પિતાને રૂ.10 હજાર દંડ ભરવાનો કોર્ટે આદેશ કર્યો છે.  15 દિવસમાં જો દંડ નહીં ભરે તો વોરંટ કાઢી સજા કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

આરોપી વર્ષે 7 લાખ રિટર્ન ભરે છે, કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ કર્યો દંડ

ઓઢવના કિશનભાઇના લગ્ન વસ્ત્રાલના મમતાબેન સાથે થયા હતાં. લગ્નજીવન દરમિયાન જયેશ અને રવિ નામના બે પુત્રો હતાં. સમય જતાં બન્ને પુત્રો યુવાન થઇ ગયા હતાં. આ દરમિયાન કિશનભાઇને અન્ય સ્ત્રી સાથે આડાસંબંધ બંધાયા હતાં. આ અંગેની જાણ મમતાબેનને થતાં તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે વર્ષ 2011 માં કિશનભાઇ પત્ની અને બાળકોને છોડી પ્રેમિકા સાથે રહેવા જતા રહ્યા હતાં. આથી મમતાબેને ફેમિલી કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી.

બીજી તરફ પત્નીને ભરણપોષણ આપવું ના પડે તે માટે કિશનભાઇએ પોતાના યુવાન પુત્રો જયેશ અને રવિ પાસે ખાધા ખોરાકી માંગતી અરજી કોર્ટમાં કરી હતી. આ બન્ને કેસની સુનાવણીમાં મમતાબેનનાં એડવોકેટ એચ.એમ.રાવે રજૂઆત કરેલી કે, ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 (1) (ડી) મુજબ  પત્ની પોતાના જીવન નિર્વાહ માટે પતિ પાસે ભરણ પોષણ માંગી શકે છે. તેમજ સક્ષમ ના હોય તેવા માતા-પિતા પુત્રો પાસે ભરણ પોષણ માંગી શકે છે.

આ કેસમાં ભાડાની તેમજ અન્ય આવક મળી કિશનભાઇ વર્ષે રૂ.7 લાખ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરે છે. તેમણે પોતાની આવક છુપાવી ખોટી અરજી કરીને કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પોતાના પુત્રો પાસે ભરણ પોષણ માંગી શકવાને હકદાર ના હોઇ તેમની અરજી નામંજૂર કરવી જોઇએ.(પાત્રોના નામ બદલ્યા છે)
અન્ય સમાચારો પણ છે...