‘બસ હવે હેરાનગતિ બહુ કરી, હાર્દિકને તાત્કાલિક મુક્ત કરો’: કોંગ્રેસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલને મુક્ત કરવા માટે કોંગ્રેસે સરકારને તાકીદ કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધાર્થ પટેલે જણાવ્યું કે ‘‘બસ હવે હેરાનગતિ બહુ કરી, હાર્દિકને તાત્કાલિક મુક્ત કરો’’. સરકારને સંબોધતા સિદ્ધાર્થ પટેલે વધુમાં જણાવ્યું કે ‘પાટીદાર સમાજના હાર્દિક પટેલ છેલ્લા 8 મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. તેમના અન્ય સાથીઓ પણ હજુ જેલમાં છે. સામાજિક ન્યાય માટે લોકશાહી ઢબે માગણી કરતાં આ યુવાનો પર ગુજરાત સરકાર દ્વારા રાજ્યદ્રોહનો ગુનો લગાડીને સતત અત્યાચાર કરાઈ રહ્યો છે. ત્યારે હવે તો હદ આવી ગઈ છે. તેથી અમે રાજ્ય સરકારને તાકીદ કરીએ છીએ કે હાર્દિક પટેલને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે.’
સિદ્ધાર્થ પટેલે રાજ્ય સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે ‘રાજ્યમાં લોકશાહી પ્રક્રિયાનું સતત હનન થઈ રહ્યું છે. માત્ર હિટલરશાહી દ્વારા ભય અને રાજકીય દબાણનું વાતાવરણ ઊભું કરાયું છે. જેનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે. સરકારી કાર્યક્રમોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને બોલાવાતા નથી. વિપક્ષના ધારાસભ્યો સહિતના આગેવાનોની સરકારી કાર્યક્રમો પહેલા ધરપકડ કરીને નજરકેદ કરાય છે. શું સરકારની આ પ્રકારની નીતિ-રીતિ યોગ્ય છે
CMની ભાષા સત્તાના દુરુપયોગની જણાય છે

સિદ્ધાર્થ પટેલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર નિશાન સાધતા જણાવ્યું કે ‘મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા સામાજિક ન્યાય માટે વિરોધ કરી રહેલી બહેનોને કહ્યું કે ‘‘મારો વિરોધ કરશો અને ભવિષ્યમાં કૅન્સર થશે તો મદદ માગવા મારી પાસે જ આવવું પડશે.’’ આવા શબ્દો મુખ્યમંત્રીને શોભતા નથી એટલું જ નહીં આ ભાષા એ સત્તાના દુરુપયોગની ભાષા જણાય છે.’
અન્ય સમાચારો પણ છે...