400 ગ્રામ ગોલ્ડબાર ગાયબ થતા આંગડિયા પેઢી સામે ફરિયાદ થઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : કચ્છના અંજાર ખાતે જ્વેલર્સનો વ્યવસાય કરતા હરિલાલ સોનીએ પોતાની અમદાવાદ બ્રાન્ચમાંથી 400 ગ્રામનો ગોલ્ડબારનું પાર્સલ અંજાર ખાતે મોકલવા માટે એન.એમ.એન્ડ આંગડિયા પેઢીના કર્મચારીને આપ્યું હતું. 2015ના ડિસેમ્બર મહિનામાં આંગડિયા પેઢીને અપાયેલું પાર્સલ આજદિન સુધી અંજાર ખાતે ન પહોંચતા આખરે જ્વેલર્સના માલિક હરિલાલે એન.એમ.એન્ડ આંગડિયા પેઢીના કર્મચારી ભાવેશભાઈ અને ભાગીદાર નિમેષ સોની વિરુદ્ધ નવરંગપુરા પોલીસમથકમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો.

કચ્છની આંગડિયા પેઢીને પાર્સલ આપ્યું હતું, પાર્સલ અંજાર ન પહોંચતા છેતરપિંડીની શંકા

કચ્છના અંજાર શહેર ખાતે રહેતા હરિલાલ લખમસી સોની અંજાર ખાતે જ હરિલાલ લખમસી જ્વેલર્સ પ્રા.લિ. નામથી પેઢી ધરાવી છેલ્લા 35 વર્ષથી સોના-ચાંદીનો વેપાર કરે છે. હરિલાલે ગત 16 ડિસેમ્બર 2015ના રોજ અમદાવાદની સીજી રોડ સુપરમોલ ખાતે આવેલી બ્રાન્ચ ખાતેથી રૂ.10.16 લાખનું 400 ગ્રામનું ગોલ્ડબારનું પાર્સલ અંજાર ખાતે મોકલવા માટે કચ્છની જ એન.એમ.એન્ડ આંગડિયા પેઢીના કર્મચારી ભાવેશભાઈને આપ્યું હતું.

16 ડિસેમ્બરના રોજ મોકલાયેલું પાર્સલ બીજા દિવસે અંજાર ન પહોંચતા હરિલાલે આંગડિયા પેઢીના ભાગીદાર નિમેશભાઈને ફોન કરી પૂછતા તેઓએ પાર્સલ પહોંચી જશે તેવી વાત જણાવી હતી. જોકે આ પાર્સલ 16 ડિસેમ્બરથી જૂન 2016 સુધી અંજાર ન પહોંચતા આખરે હરિલાલે આંગડિયા પેઢીની અમદાવાદ અને અંજાર ખાતેની ઓફિસમાં તપાસ કરતા આ ઓફિસો બંધ હાલતમાં મળી આવી હતી. આખરે હરિલાલ સોનીએ એન. એમ. એન્ડ કંપનીના કર્મચારી ભાવેશભાઈ અને ભાગીદાર નિમેષભાઈ સોની વિરુદ્ધ નવરંગપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી.
અન્ય સમાચારો પણ છે...