અમદાવાદ: નિકોલમાં વરસાદી પાણીની સાથે કેમિકલયુક્ત લાલ રંગનું ઝેરી પાણી સંપૂર્ણ વિસ્તારમાં ફરી વળ્યું છે. જેથી લોકોને ઝેરી કેમિકલના પાણીમાંથી પસાર થવું પડે છે અને તેના કારણે લોકોને ચામડીના રોગોનો શિકાર બનવું પડે છે. આ વિશે અનેકવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક ધારાસભ્ય, કોર્પોરેટરો કે અન્ય નેતાઓ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરાતી નથી અને છેવટે લોકોને હેરાનગતિ ભોગવવી પડે છે.
નરોડા જીઆઈડીસી અને કઠવાડા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીઓ મ્યુનિ. અને પોલ્યુશન કંટ્રોલ વિભાગના અધિકારીઓની રહેમનજર હેઠળ દર વખતે વરસાદમાં ઝેરી કેમિકલ કચરો ગટરમાં છોડે છે, જે વરસાદી પાણીમાં ભળતા દુર્ગંધયુક્ત લાલ રંગનું પાણી નિકોલમાં ફરી વળે છે. આ અંગે લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાતી નથી. તાજેતરમાં છેલ્લા 4 દિવસથી શરૂ થયેલા વરસાદ દરમિયાન ફરીથી કંપનીઓ દ્વારા ગટરમાં કેમિકલ છોડાતા હાલ સંપૂર્ણ નિકોલમાં લાલ રંગનું વાસ મારતું ઝેરી કેમિકલ વાળુ પાણી ફરી વળ્યું છે.