તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છ વર્ષે વટવા-અંકલેશ્વરના ઉદ્યોગો પરનો પ્રતિબંધ હટ્યો, મંત્રી અનિલ માધવ દવે દ્વારા જાહેરાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર: ગુજરાતમાં અતિ પ્રદૂષિત ઠેરવાયેલા વટવા અને અંકલેશ્વર-પનોલી ઔદ્યોગિક વિસ્તારોને ક્રિટિકલ ઝોન ઠેરવી ત્યાંના ઉદ્યોગો અને ઔદ્યોગિક વિસ્તરણ પર છેલ્લા છ વર્ષથી મૂકવામાં આવેલા પ્રતિબંધને હટાવવામાં આવ્યો છે. કેન્દ્રના વન અને પર્યાવરણ રાજ્ય પ્રધાન અનિલ માધવ દવેએ આ ઔદ્યોગિક વિસ્તારના સ્નેહ મિલન સમારંભમાં કેન્દ્ર સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.
ક્લસ્ટરમાં એકાદ એકમ પ્રદૂષણ કરતું હોય તો તેના કારણે સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર પર બંધન લાદવું યોગ્ય નથી. આ સંદર્ભમાં જો કાયદાકીય સુધારાની જરૂર પડશે તો કેન્દ્ર સરકાર તે પણ કરવા તૈયાર છે. સાથોસાથ પર્યાવરણ અને અન્ય કાયદાઓ, નિયમોનું કડક પાલન કરવાની પણ તાકીદ કરી હતી. સીએમ વિજય રૂપાણીએ આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, રાજ્યએ પર્યાવરણની જાળવણી સાથે ઔદ્યોગિક વિકાસ એ રોજગાર નિર્માણનો જે માર્ગ અપનાવ્યો છે તેને હવે નવી દિશા મળશે.
શા માટે ક્રિટિકલ ઝોન
કોમ્પ્રીહેન્સિવ એન્વાયર્નમેન્ટ પોલ્યુશન ઈન્ડેક્સના માપદંડ મુજબ 70થી ઉપરનો પ્રદૂષણ આંક ધરાવતા વિસ્તારોને ક્રિટિકલ ઝોનમાં મુકવામાં આવ્યા હતા. હાલ તે સરેરાશ 70થી નીચે છે. એટલે પહેલા વાપી, ભાવનગર, જુનાગઢને હટાવાયા અને હવે વટવા, અંકલેશ્વરને મુક્તિ આપી છે.

80 હજારથી વધુ લોકોને રોજગારી મળશે

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સચિવ હાર્દિક શાહે જણાવ્યું કે, નવા ઉદ્યોગો અને ઔદ્યોગિક વિસ્તરણની મંજુરી મળતાં વાયબ્રન્ટ સમિટમાં જે એમઓયુ થયા અને હવે નવા થશે તેના કારણે નવું અંદાજે રૂ. 10થી 15 હજાર કરોડનું મૂડીરોકાણ મળવાની શક્યતા છે. કેમિકલ ઉદ્યોગમાં 80 હજારથી વધુ રોજગારીનું સર્જન થશે.

‘ભોગ બનનારાને પૂછ્યા વિના લીધો નિર્ણય’

આ નિર્ણયની આકરી ટીકા કરતાં પર્યાવરણવિદ્ મહેશ પંડ્યાએ કહ્યું કે,આ નિર્ણય લેતાં પહેલાં શું પ્રદૂષણના કારણે ભોગ બનેલા લોકો, સ્થાનિકોને પૂછવામાં આવ્યું છે ખરું? સરકારે માત્ર પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સાથે જ વાતચીત કરીને કુલડીમાં ગોળ ભાંગ્યો છે.

વટવા અને નારોલમાં CEPI ઘટીને 54 ટકા

2010ના વર્ષમાં વટવા, નારોલમાં કોમ્પ્રીહેન્સિવ એન્વાયર્નમેન્ટ પોલ્યુશન ઈન્ડેક્સ સીઈપીઆઈ 82 ટકાથી વધુ નોંધાયું હતું અને હાલ તે ઘટીને 54.22 ટકા થયું છે. અંકલેશ્વરમાં 88 ટકાથી ઘટીને 68 ટકા, વાપીમાં 89 ટકાથી ઘટીને 68.2 ટકા નોંધાયું છે.
અન્ય સમાચારો પણ છે...