તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમારી અનામતના ભોગે પાટીદારો સાથે સરકાર સમાધાન ન કરે: અલ્પેશ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનના કારણે ભીંસમાં મુકાયેલી સરકારે હવે સમાધાન માટે મરણિયા પ્રયાસો હાથ ધર્યા છે અને તે કંઈક અંશે હકારાત્મક દિશામાં આગળ પણ વધી રહ્યા છે. આ જ તબક્કે એકથી વધુ વખત શક્તિપ્રદર્શન કરી ચૂકેલા અને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરે સરકારને એવી ગર્ભિત ચેતવણી આપી છે કે, સરકાર પાટીદારો સાથે સમાધાન ભલે કરે પણ અનામત ભોગવતા ઓબીસી અને અન્ય સમુદાયોના ભોગે પાટીદારોને લાભ મળવો ન જોઈએ.

- વ્યસનમુક્તિ અંગે અલ્ટિમેટમ પૂરું, ઠાકોર નેતાઓ આજે મુખ્યમંત્રીને મળશે

‘અમે વ્યસન મુક્તિ અંગેની નીતિની જરૂરિયાત અંગે શુક્રવારે મુખ્યમંત્રીને વિધાનસભામાં મળવા જવાના છીએ. તે સમયે અમે પાટીદાર-સરકાર વચ્ચેના સંભવિત સમાધાનને લઈને પણ રજૂઆત કરવાના છીએ. પાટીદાર સમાજ અને સરકાર વચ્ચે સમાધાનની વાતો ચાલી રહી છે. તે થઈ જાય તો ખૂબ સારી વાત કહેવાય. પાટીદારોની માગ સરકાર સંતોષે તેમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એમ કરવામાં અમને એટલે કે આરક્ષિત સમાજોને કોઈ નુકસાન ન થવું જોઈએ.

આ જોવાની જવાબદારી સરકારની રહેશે. અમે માગ કરવાના છીએ કે પાટીદારો સાથે સમાધાન કરવા બનેલી સમિતિમાં અમારા 2 પ્રતિનિધિઓનો સમાવેશ થાય. જેથી આ સમગ્ર પ્રક્રિયા અમારા માટે પારદર્શક રહે. આમ કરવાથી પરસ્પર વિશ્વાસનું વાતાવરણ બનશે,’ એમ અત્યંત સ્પષ્ટપણે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું. અલ્પેશે કહ્યું કે ‘અમારું પ્રતિનિધિમંડળ શુક્રવારે સવારના 10 વાગે મુખ્યમંત્રીને વિધાનસભા ખાતે મળવા જશે. તેમને મળીને વ્યસન મુક્તિ અંગે ચોક્કસ નીતિ લાવવા માટેની માગ કરતું આવેદન પત્ર આપશે.

કારણકે કરોડો લોકો જ્યારે વ્યસનનો ભોગ બનીને બરબાદ થઈ રહ્યા છે ત્યારે તેને રોકવા માટે સરકારની જવાબદારી નક્કી કરવી ખૂબજ જરૂરી છે. આ મૂદ્દો રાજકારણથી પર રહીને વિચારવાની જરૂર છે. આથી અમે માગ કરવાના છીએ કે વિધાનસભાના વર્તમાન સત્રમાં એક આખો દિવસ રાજ્યમાં વ્યસન મુક્તિ અંગેની નીતિની જરૂરીયાત અને તે અંગે કાનુની રસ્તે શું થઈ શકે તેની ચર્ચા કરવા માટે ફાળવવામાં આવે. આ અંગે અમે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને પણ મળીને રજૂઆત કરવાના છીએ.’ ઉપરાંત ઓબીસી, એસસી અને એસટી જાતિ સમાજોના અતિ ગંભીર અને વણઉકેલાયેલા એવા 10 મુદ્દા અંગે પણ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...