અમદાવાદ : વટવામાં થયેલી હત્યા નજરે જોનારો સાક્ષી એડિશનલ સેશન્સ જજ બી. એમ. મકવાણાની કોર્ટમાં ગુરુવારે હાજર થયો હતો. હત્યાકેસના આરોપી મહંમદ ઇમ્તિયાઝે પેરોલ પર ઘરે આવી જુબાની ફેરવી તોળવા ધમકી આપી હતી. આથી પોલીસ રક્ષણ આપવા સાક્ષીએ કોર્ટમાં અરજી કરી હતી. સેશન્સ જજે તાત્કાલિક અસરથી વટવા પીઆઇને હાજર કરી સાક્ષીને પ્રોટેક્શન પૂરું પાડવા આદેશ કર્યો હતો. સાથે જ કેસની સુનાવણી શુક્રવારે નિયત કરી હતી.
તાત્કાલિક રક્ષણ આપવા વટવા PIને કોર્ટનો આદેશ
સિટિ સેશન્સ કોર્ટમાં ગુરુવારે સાક્ષી શાહરૂખ શેખ કોર્ટમાં 15થી 20 લોકોને લઈને હાજર થયો હતો. સાક્ષીએ અગાઉની જેમ કોર્ટ સમક્ષ પોલીસ રક્ષણ આપવા વિનંતી કરી હતી. આ અંગે સરકારી વકીલ મીનલબહેન ભટ્ટે ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, અગાઉ સાક્ષી શાહરૂખ સમન્સના પગલે 11 જુલાઈએ કોર્ટમાં હાજર થયો હતો. તેણે કોર્ટને જણાવ્યું હતું કે, ઈદની ઉજવણી માટે પેરોલ પર મુક્ત થઈને આવેલો આરોપી મહમંદ ઇમ્તિયાઝ શેખ 11 જુલાઈએ તેના ઘરે ગયો હતો અને પોલીસ સમક્ષ નોંધાવેલી જુબાની કોર્ટમાં ન આપવા (જુબાની ફેરવી તોળવા) ધમકી આપી હતી.