અ'વાદ: ઇ-મેમોમાં લખ્યું, ટુ-વ્હીલર પર સીટ બેલ્ટ પહેર્યો નથી, રૂ.300 દંડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવા ટ્રાફિક પોલીસે ઈ-મેમો જેવા હાઈટેક રસ્તા અપનાવ્યા છે, પરંતુ છબરડા કરવાની પરંપરા હજી પણ સુધારી નથી. ઈ-મેમોમાં ટ્રાફિક પોલીસે કરેલા છબરડાની બે ઘટના બહાર આવી હતી. અને બંને ઘટનામાં પોલીસે ‘આ અમારી ભૂલ છે. તમારો મેમો કૅન્સલ’ કરી વાહનચાલકોને દંડની રકમમાંથી મુક્તિ આપવી પડી હતી.
ઇન્કમ ટેક્સ ચાર રસ્તા ઉપર સ્ટોપ લાઇન ક્રોસ કરવા બદલ નવા વાડજ રહેતા અને રિલિફ રોડ ખાતે દુકાન ધરાવતા ટુવ્હીલર ચાલકને ટ્રાફિક પોલીસે 9 જૂને ઈ-મેમો મોકલ્યો હતો. મેમોમાં સ્ટોપ લાઇન ક્રોસ કરવા ઉપરાંત હૅલ્મેટ ન પહેરવા બદલ અને સીટ બેલ્ટ ન બાંધ્યો હોવાના નિયમનો પણ ભંગ કર્યો હોવાનું દર્શાવી રૂ. 300નો દંડ ફટકાર્યો હતો. દુકાનદારે આ અંગે જણાવ્યું હતું કે તેમણે ઈ-મેમો વાંચ્યો ત્યારે સૌથી પહેલો પ્રશ્ન થયો કે ટુ-વ્હીલરમાં સીટ બેલ્ટ ક્યાંથી આવેω આથી તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જઈને રજૂઆત કરી ત્યારે પોલીસ કર્મચારીએ ભૂલ સ્વીકારીને મેમો રદ કર્યો હતો.
બીજી ઘટના ન્યૂ રાણીપની મહિલા સાથે બની હતી. તેમને પણ સ્ટોપ લાઇન ક્રોસ કરવા બદલ ઈ-મેમો મળ્યો હતો. તેમણે શનિવારે પોલીસ કમિશનર કચેરીમાં ઇન્કમટેક્સ સર્કલ પર લાગેલા સીસીટીવીના ફૂટેજ ચેક કર્યા ત્યારે જે વાહન માટે મેમો આપ્યો હતો તે વાહન તેમનું ન હોવાનું બહાર આ‌વ્યું હતું. આ કિસ્સામાં પણ પોલીસે મેમો રદ કરવો પડ્યો હતો. ટ્રાફિક શાખાના અધિક પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદીને આ અંગે પૂછતાં જણાવ્યું હતું કે કન્ટ્રોલ રૂમમાં ટેકનિકલ ફોલ્ટ આવવાને કારણે આવી ઘટના બનતી હોય છે. હવે, આવા કિસ્સા ન બને તે માટે ધ્યાન રાખવામાં આવશે. વધુ તકેદારી રાખવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...