નરોડામાં ફ્લેટમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ નરોડા કૃષ્ણનગર પાશ્વનાથ કેનાલ પાસેના માનસ એપાર્ટમેન્ટમાં ક્રાઈમ બ્રાન્ચે  3 મહિનાથી ચાલતી ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેકટરી પકડી પાડી છે. હિતેશ ઉર્ફે હિતુ  ધોલાની સસ્તા દારૂમાં એપ્પી જ્યુસ ભેળવીને સ્કોચમાં ભરીને વેચતો હતો. 300 -400 રૂપિયામાં તૈયાર થતી આ દારૂની બોટલ હિતેશ હોમ ડિલીવરીમાં 1500 થી 2000 રૂપિયામાં વેચતો હતો. હિતેશના ઘરમાંથી પોલીસને દારૂની ખાલી અને ભરેલી મળીને 200 બોટલો મળી આવી હતી.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે શનિવારે બપોરે હિતેશના ઘરમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી સસ્તા બ્રાન્ડની દારુની 15 બોટલ મળી હતી. જ્યારે સ્કોચની ખાલી -ભરેલી બોટલો મળીને 200 જેટલી બોટલો અને 145 બુચ મળ્યા હતા. પોલીસે દારૂની બોટલો તપાસ કરતા સ્કોચની બોટલોમાં સસ્તો દારુ ભરવામાં આવ્યાનું જણાયું હતુ.

સસ્તા બ્રાન્ડની દારૂમાં ભેળસેળ
જે વિશેની પૂછપરછમાં હિતેશે જણાવ્યું કે તે સસ્તા બ્રાન્ડની દારૂમાં એપ્પી જ્યુસ ભેળવીને તે સ્કોચની બોટલમાં ભરીને ગ્રાહકોને હોમ ડિલીવરીમાં વેચતો હતો. સ્કોચની ખાલી બોટલો તે મેઘાણીનગર રામેશ્વર ખાતેના ભંગારના વેપારી પાસેથી લાવતો હતો.  ત્યારબાદ સસ્તા દારુની બોટલો ખોલી તેમાં જ્યુસ ભેળવીને તે દારૂ સ્કોચની બોટલમાં ભરીને બુચ સીલ કરીને વેચતો હતો. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે તગડો નફો કમાવવા હિતેશ સસ્તી બ્રાન્ડનો દારૂ સ્કોચની બોટલમાં ભરીને વેચતો હતો. જોકે હિતેશ દારૂ કોનેકોને વેચતો હતો તેની તપાસ શરુ કરાઈ છે.
અન્ય સમાચારો પણ છે...