તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૉકેમોન નામનું વાવાઝોડું અ’વાદમાં: 5 હજાર લોકોનો ધસારો, કૅન્સલ કરવી પડી ઈવેન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: સિડનીના એક પોશ વિસ્તારમાં 300 યુવાનો ભેગા થઈને પૉકેમોન રમવા લાગ્યાં, તેમના ઘોંઘાટથી ત્રસ્ત થયેલા લોકોએ પાણી ભરેલા ફુગ્ગા ફેંકવાનું શરૂ કર્યુ. જોતજોતામાં એવી અંધાધૂંધી ફેલાઈ જાણે કે રમખાણ ફાટી નીકળ્યું હોય. સ્થિતિ કાબુમાં કરવા પોલીસને પણ પગે અને આંખે પાણી ઉતરી આવ્યા. જરા કલ્પના કરો કે 300 યુવાનો ભેગા થઈને પૉકેમોન રમે એમાં આવી સ્થિતિ સર્જાતી હોય તો 5000 લોકો આ ગેમ રમવા ભેગા થાય તો શું થાય? એ પણ અમદાવાદ જેવા શહેરમાં...! એટલુ તો ચોક્કસ કે અમદાવાદમાં પૉકેમોન રમીને અંધાધૂંધી ફેલાવનારા યુવાનો પર જે ફેંકાય તે પાણીના ફુગ્ગા તો ન જ હોય!

મોબાઈલ સેન્સેશન: વિશ્વભરને ઘેલુ લગાડનારું પૉકેમોન નામનું વાઈરલ વાવાઝોડું અમદાવાદમાં

વાત જાણે એમ છે કે આ ગેમ ભારતમાં લોન્ચ નથી થઈ પણ અહીં તેની Apk ફાઈલ ડાઉનલોડ કરીને રમી શકાય છે. અમદાવાદના સેંકડો યંગસ્ટર્સે એ ડાઉનલોડ કરીને રમવાનું શરૂ કરી દીધુ છે. પૃથ્વી સોઢા નામના યુવાને લોકોને ભેગા કરીને પૉકેમોન રમવા માટે ફેસબુક પર ‘પૉકેમોન ગો વોક : અમદાવાદ’ ઈવેન્ટનું આયોજન કર્યુ. એની કલ્પના હતી કે પંદર-વીસ લોકો વસ્ત્રાપુર ભેગા થઈને ગેમનો આનંદ માણશે. પરંતુ આ ઈવેન્ટને અકલ્પનિય પ્રતિસાદ મળ્યો. પાંચ હજાર કરતા વધારે રજિસ્ટ્રેશન થઈ ગયા અને તેણે અવ્યવસ્થા સર્જાવાના ભયે ઈવેન્ટ રદ કરી નાખી. પણ જરા કલ્પના કરો કે તેણે ઈવેન્ટ ન રદ કરી હોત તો શું થાત?

વર્ચ્યુઅલ અને વાસ્તવિક વર્લ્ડ ઈતિહાસમાં ક્યારેય આટલા નજીક નહીં આવ્યા હોય. મોબાઈલ ગેમના ઈતિહાસમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે. એક વીડિયોગેમ વિશ્વભરમાં રીતસરનો હાહાકાર મચાવી રહી છે. એ છે પૉકેમોન ગો. જીપીએસ આધારિત લોકેશન બેઈઝ્ડ રિયાલિટી મોબાઈલ ગેમ. 6 જુલાઈએ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં લોન્ચિંગ સાથે શરૂ થયેલું આ વાઈરલ વાવાઝોડું આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં જર્મની, ઈંગ્લેન્ડ, ઈટાલી, સ્પેન, પોર્ટુગલ સહિત આખા યુરોપને આંબી ગયુ છે.

કદાચ આ વિશ્વની પહેલી એવી ગેમ છે જે લોકોને ઘરમાં નથી ઘુસાડી રાખતી પણ ઘરની બહાર કાઢે છે. પૉકેમોન નામના એક કાલ્પનિક પાત્રને પોતાના મોબાઈલમાં પકડવા માટે વિશ્વભરના લોકો ગાંડા કાઢી રહ્યાં છે. ક્યાંક કોઈ નદી-તળાવમાં પડી રહ્યું છે તો ક્યાંક કોઈ સ્મશાન-હોસ્પીટલ જેવા સ્થળોએ ઘુસી રહ્યું છે. કોઈ પાણીની ટાંકી પર ચડી રહ્યું છે તો કોઈ ઝાડ પર. જેનું વાસ્તવિક જગતમાં કોઈ અસ્તિત્વ જ નથી એવું પૉકેમેન નામનું એક વર્ચ્યુઅલ પ્રાણી વાસ્તવિક જગતને કલ્પનાતિત ઢબે અસર કરી રહ્યું છે.

ન્યુઝીલેન્ડમાં પૉકેમોનના લોકેશનોએે મારામારી થઈ રહી છે તો અમેરિકામાં મ્યુઝીયમમાં જતા લોકોના ફોન ચેક કરવામાં આવી રહ્યા છે, એ જાણવા માટે કે તેઓ અંદર પૉકેમોન પકડવા તો નથી જતા ને...! વેલ, વસ્ત્રાપુરની ‘પૉકેમોન વોક’ રદ કરનારા યુવાને તો ફરીથી ઈવેન્ટ યોજવાનો વાયદો આપ્યો જ છે પણ સાથોસાથ અન્ય કેટલાક ગ્રૂપ્સે પણ આગામી દસેક દિવસમાં અમદાવાદમાં અડધોડઝન જેટલી ‘પૉકેમોન વોક’ના આયોજન કર્યા છે.

આ તમામ ફેસબુક પેઈજ પરની પોસ્ટ્સ જોતા અંદાજ આવે છે કે અમદાવાદીઓનો પૉકેમોન ક્રેઝ આપણે ધારીએ છીએ એટલો વધારે નથી પણ આપણે ધારી શકીએ એના કરતા વધારે છે. કેન્ડીક્રશ, સબવે સર્ફર અને ક્લેશ ઓફ ક્લેઈન જેવી ગેમ્સને પછાડીને પૉકેમોન આગળ નીકળી ગઈ છે. ડાઉનલોડિંગમાં તે ટ્વિટરનો પણ રેકોર્ડ તોડવાના આરે છે. પૉકેમોન નામનુ ભૂત મોબાઈલ સ્ક્રિનમાંથી બહાર આવીને અમદાવાદીઓને પણ ધુણાવી રહ્યું છે.

પ્રેરણાતીર્થ દેરાસર પાસે પૉકેમોન ફાઈટિંગ સ્ટેશન

અમદાવાદમાં ઘણા સ્થળો પર પૉકેમોનના ફાઈટિંગ સ્ટેશન લોકેટ થાય છે. એ પૈકીનું એક છે પ્રેરણાતિર્થ દેરાસર. જે અનેક પોકેમોન એડિક્ટ્સનું ફાઈટિંગ સ્ટેશન હોવાથી અહીં રાત્રે 9 વાગ્યા પછી અનેક યંગસ્ટર્સ ભેગા થાય છે. અહીં રમતા વૈભવ શેઠ પાસે 20 પોકેમોનનું કલેકશન છે.

શું છે આ ‘પૉકેમોન ગો’

પોકેમોનનો અર્થ થાય છે પોકેટ મોન્સ્ટર. ફોનના કેમેરા અને ઈન્ટરનેટની મદદથી ઉભી થતી વર્ચ્યુઅલ દુનિયામાંથી તમારે મોન્સ્ટર(રાક્ષસ)ને પકડીને ગજવે ઘાલવાના હોય છે. ડ્રેગન, ઉંદર, કબૂતર વગેરે અલગ અલગ 150 પ્રકારના પોકેમોન હોય છે.

કેવી રીતે રમાય

મોબાઈલનું જીપીએસ ચાલુ કરીને રસ્તાઓ પર નીકળી પડવાનું. મોબાઈલ સ્ક્રિન પર જે દિશામાં પોકેમોન બતાવે તે દિશામાં ચાલતા રહેવાનું. સ્ક્રિન પરના રેડ બોલને પોકેમોન દેખાય એ દિશામાં હીટ કરીને તેને પકડી લેવાનો.
આગળ વાંચો શું કહે છે યુવાનો.....
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો