અમદાવાદ : ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરી ફરાર થઈ જનારા આરોપી મનીષ બલાઈ સામેની ઝોન -1 ડીસીપી બિપીન આહિરે તપાસ પૂર્ણ કરી ફોજદારી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ડી.જે. શાહ સમક્ષ 96 સાક્ષી સાથેનુ ચાર્જશીટ રજૂ કરી છે. આરોપી અને મૃતકના ડીએનએ, આરોપીના વાેઈસ સ્પ્રેકટ્રોગ્રાફી પોઝિટિવ હોવાના રિપોર્ટ છે. પરંતુ ત્રણ માસની તપાસના અંતે પણ તપાસ અધિકારી કોન્સ્ટેબલનું મૃત્યુ ક્યારે થયુ મેળવી શક્યા નથી.
96 સાક્ષી સાથે ફોજદારી કોર્ટમાં ચાર્જશીટ દાખલ
ક્રાઈમને ગણતરીના સમયમાં જ પર્દાફાશ કરનારી ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં જ એપ્રિલ માસમાં જ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાને પાઈપના ફટકા મારી હત્યા કરી લૂંટ અને ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી મનીષ શ્રવણકુમાર બલાઈને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો હતો. પરંતુ આરોપીની ધરપકડ બાદથી ત્રણ માસના અંતે સમગ્ર મામલાની તપાસ પૂરી કરી ઝોન- 1 ડીસીપી બિપીન આહિરે ફોજદારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી છે. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં 96 સાક્ષી અને આરોપીના ડીએનએ ટેસ્ટ, વાેઈસ સ્પ્રેક્ટ્રોગ્રાફી ટેસ્ટના રિપોર્ટ સહિતના દસ્તાવેજી પુરાવા ચાર્જશીટમાં રજૂ કર્યા છે.
21 એપ્રિલની રાત્રે હત્યા થઈ હતી
રાત્રે એન્ટિ ઓર્ગેનાઈઝેશન સ્ક્વોડમાં ચંદ્રકાંત મનીષની પૂછપરછ કરી રહ્યો હતો. 11.30 કલાકે કોન્સ્ટેબલ કનુ જીવા અને સિકદર કચેરી છોડી ગયા હતા. રાત્રે 12 થી 4 કલાક 43 મિનિટ અને 10 સેકન્ડમાં મનીષે કોન્સ્ટેબલની હત્યા કરી, લોહીવાળી ટીશર્ટ બદલી, ચંદ્રકાંતના બૂટ પહેરી તેનું પર્સ લઈ મુખ્ય દરવાજાના નાના દરવાજાથી બહાર નીકળી ડાબી બાજુની દીવાલ કૂદી રિવરફ્રન્ટથી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યો હતો.
મનીષે ચંદ્રકાંતને 43 ફટકા માર્યા હતા
મૃતક ચંદ્રકાંત મકવાણાના પોસ્ટ મોર્ટમના રિપોર્ટમાં પાઈપના કુલ 43 ફટકા માર્યાનું ફલિત થાય છે. આરોપીની ધરપકડ બાદ એસડીએસ, વોઈસ સ્પ્રેક્ટ્રોગ્રાફી, ડીએનએ ટેસ્ટ પણ પોઝિટિવ છે.