વદોદરામાં વાયુ પ્રદુષણની એક પણ ફરિયાદ નહીં, ફટાકડાના વેંચાણમાં 30 ટકાનો ઘટાડો

શહેરીજનોએ  સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કર્યું
શહેરીજનોએ સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કર્યું
Bhaskar News

Bhaskar News

Nov 11, 2018, 12:09 PM IST

વડોદરા: વાયુ પ્રદૂષણ રોકવા માટે સુપ્રીમ કોર્ટના રાતે 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડવાના આદેશનું મોટાભાગના શહેરીજનોએ દિવાળીના તહેવારમાં પાલન કર્યું હતું. જેના કારણે શહેરના પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગનો એક પણ કેસ નોંધાયો ન હતો. બીજી તરફ શહેરના ફટાકડા માર્કેટમાં 30 ટકા મંદી વર્તાઈ હોવાનું વિક્રેતાઓએ જણાવ્યું હતું. ફટાકડા વધુ પ્રમાણમાં ફોડવામાં ન આવતાં શહેરના વાતાવરણમાં પણ ઓછું પ્રદૂષણ ફેલાયું હોવાનું જીપીસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

વડોદરાના એક પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી

શહેરમાં રાત્રીના 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડવાના જાહેરનામાનો શહેરીજનોએ ભંગ કર્યો ન હોવાની વડોદરાના એક પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. આ જ સ્થિતી સુરત શહેરની પણ છે. પરંતું અમદાવાદમાં કાળીચૌદશ,દિવાળી,બેસતુવર્ષ અને ભાઈબીજ દરમિયાન પોલીસે 70 થી વધુ ફરીયાદો જાહેરનામાના ભંગ બદલ નોંધી હોવાનું અમદાવાદ પોલીસ કમિશનર કચેરીના અધિકારીઅે જણાવ્યું હતું.

ફટાકડાના વેંચાણમાં 30 ટકાનો ઘટાડો

બીજી તરફ ખંડેરાવ માર્કેટમાં ફટાકડાની હોલસેલની દુકાન ધરાવતા વિક્રેતાઓએ જણાવ્યું કે, ઉત્તરાયણમાં જેટલી આતશબાજીઓ થાય છે,તેનાથી ઓછી આતશબાજી દિવાળીમાં થઈ છે. સંપૂર્ણ શહેરમાં અંદાજિત રૂ.12 કરોડનો ફટાકડાનો વેપાર છે. જેમાં પણ 30 ટકા જેટલી વેપારીઓને મંદી નડી છે.પોલોગ્રાઉન્ડ સ્થિત ફટાકડા માર્કેટના વિક્રેતા રાજુભાઈ પવારે જણાવ્યું હતું કે, પોલોગ્રાઉન્ડ ફટાકડા માર્કેટમાં સીઝનનો રૂ.2 કરોડનો બિઝનેસ હોય છે. પરંતુ ચાલુ વર્ષે તેમાં 30 ટકા મંદી વર્તાઈ હતી. લોકોએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યું હોવાથી પણ ફટાકડાનું વેચાણ ઓછું થયું છે. મોટાભાગના લોકોએ અવાજ ન થાય તેવા ફટાકડા વધુ ખરીદ્યા હતા.

પ્રદુષણ સામાન્ય નોંધાયુ

આ ઉપરાંત ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, આ વખતે દિવાળી દરમિયાન શહેરના એર પોલ્યુશન અંગે 1 નવેમ્બર થી 14 નવેમ્બર સુધીનો રિપોર્ટ ગાંધીનગર ખાતે સોંપવામાં આવશે. જેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. વડોદરાના એર પોલ્યુશનના ડેટા જીપીસીબી પાસેથી ઉપલબ્ધ થયા ન હતા.પરંતુ અધિકારીએ આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં ન આવતાં શહેરમાં વાયુ પ્રદૂષણ વધુ પ્રમાણમાં ન થયું હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ એક વેબસાઇટના આંકડા પ્રમાણે પણ શહેરના હવામાનમાં પોલ્યુશન પીએમ 10 68 જેટલું રહ્યું હતું. જે સામાન્ય પ્રદૂષણની વ્યાખ્યામાં આવે છે.

X
શહેરીજનોએ  સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કર્યુંશહેરીજનોએ સુપ્રીમ કોર્ટના હુકમનું પાલન કર્યું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી