તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • In Karnataka Printing Press, The Paper Revealed That The Paper Had Fallen Out Of The Stroomroom

LRD પેપરલીક/ કર્ણાટકના પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છપાયું પછી સ્ટ્રોંગરૂમમાંથી ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

*મધ્યપ્રદેશના અશોક સાહુને હોટેલમાં લાવી ગાંધીનગર પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું

 

* સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી પેપરનો ફોટો પાડનારને આજે પકડી લેવાય તેવી શક્યતા

 

* પેપર છપાઇને સ્ટ્રોંગરૂમમાં મુકાયું ત્યાં સુધીની પળેપળની માહિતી માટે રેકી કરાઈ હતી

 

 

 

મિહિર ભટ્ટ, અમદાવાદઃ પોલીસ લોકરક્ષક દળનું પેપર કર્ણાટકના પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયા પછી સ્ટ્રોંગરૂમમાંથી ફૂટ્યું હોવાનો ઘટસ્ફોટ આધારભૂત સૂત્રોએ કર્યો છે. પેપર જે દૂધિયા રંગના પેકેટમાં પેક કરાયા હતા તેને બ્લેડથી કાપીને અંદરથી પેપર કાઢીને મોબાઇલમાં ફોટો પાડી પેપર કોપી કરી લેવાયું હતું.

 

આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, ફોટો પાડનારથી માંડીને સ્ટ્રોંગરૂમમાં ઘૂસવાની વ્યવસ્થા કરનારા લોકોના લોકેશન ટ્રેસ કરી લેવાયા છે અને તેમને પકડવા માટે ટીમ પણ રવાના કરી દેવાઇ છે. અશોક સાહુએ મધ્ય પ્રદેશમાં પણ ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના પટાવાળાની ભરતીનું પેપર ફોડવામાં પણ આ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કર્યો હોવાનું કહેવાય છે.


આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, લોકરક્ષક દળની ભરતીનું પેપર કર્ણાટકના એક પ્રેસમાં છપાયું ત્યારથી જ પ્રોફેશનલ ગેંગની તેના પર નજર હતી. પેપર છપાઇને જ્યારે સ્ટ્રોંગરૂમમાં મુકાયું ત્યાં સુધીની પળેપળની માહિતી માટે રેકી કરી લેવાઇ હતી. પેપર સ્ટ્રોંગ રૂમમાં પહોંચતાની સાથે જ ગેંગ સક્રિય થઇ હતી અને અંદર પ્રવેશ કરીને સીલ કરેલા પેકેટને સાઇડમાંથી બ્લેડ (પતરી)થી કાપીને બહાર કઢાયું અને મોબાઇલમાં ફોટો પાડી લેવાયો હતો. આ તમામ વ્યક્તિઓનાં નામ અને લોકેશન મેળવી લેવાયાં છે. ગણતરીની કલાકોમાં તેમની ધરપકડ કરી લેવાશે તેમ પણ સૂત્રો જણાવી રહ્યા છે.

 

 

હૈદરાબાદના પણ કેટલાકના નંબર મળ્યા

 

પેપર લીક કૌભાંડની તપાસ કરી રહેલી ટીમે અત્યાર સુધી પકડેલા લોકોના મોબાઇલની ઝીણવટભરી તપાસ કરાઇ હતી. સૂત્રધાર મનાતા અશોક શાહુના મોબાઇલની તપાસ દરમિયાન હૈદરાબાદના કેટલાક લોકો સાથેના સંપર્કો ખૂલ્યાં છે. હૈદરાબાદના આ શકમંદ નંબરવાળા શખસો પણ પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા છે કે કેમ, તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.

 

 

તપાસ અધિકારીઓથી વિગતો છુપાવાઈ


સૂત્રોનું કહેવું છે કે, કેસમાં ઘણી વિગતો તપાસ અધિકારીઓ છુપાવી રહ્યાં છે. તપાસ કરનારા કેટલાક સિનિયર અધિકારીઓથી પણ અમુક વિગતો છુપાવાઇ છે. તેમને જરૂરી કાર્યવાહી પૂરતી જ માહિતી અપાય છે. જે મુદ્દા ખાનગી રાખવાના છે તે મુદ્દાની તપાસ ચોક્કસ અધિકારીઓ કરી રહ્યા છે.

 

 

હવે મોટી માછલીઓ બહાર આવશે


પેપર લીકની તપાસમાં જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીની તપાસમાં ત્રણેકવાર સૂત્રધાર બદલાયા છે. જો કે, તે તમામ હવે ‘પપેટ’ હોવાનું જ ખુલ્યું છે. અશોક સાહુની ધરપકડ અને પૂછપરછ પછી જે વિગતો ખૂલી છે તેના આધારે ધરપકડો કરાશે અને તે મોટી માછલીઓ હશે.

 

 

 

પેપરલીકના આરોપીઓ 29મી નવેમ્બરે આશ્રમ રોડની એક હોટેલમાં મળ્યા હતા

 

 

પેપર લીક કરવાના કૌંભાડમાં દિલ્હી તથા ગુજરાતના આરોપીઓ વચ્ચે 29મી નવેમ્બરે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી હોટેલ વાઇસ પ્રેસિડન્ટમાં બેઠક થઈ હતી. હોટેલમાં આવેલાં તથા રોકાયેલાં આરોપીઓના સીસીટીવી ફૂટેજ તથા હોટેલ રજિસ્ટર્ડ પોલીસે કબ્જે  લીધું છે. રજિસ્ટરની ચકાસણીમાં જાણવા મળ્યું હતું કે, આરોપી અશોક સહિત અજય મીના (મધ્યપ્રદેશ), હરિયાણાનાે મનજિત તથા મનીષસિંહ શર્મા (ઢકલા) 29મીએ બપોરે 1 વાગ્યે હોટલમાં ઉતર્યા હતા.

 

તેમાંથી અશોક અને અજય રૂમ નં.408 તથા મનજિત અને મનીષ રૂમ નં.409માં રોકાયા હતા. ચારેય જણાંને ફરવા માટે અમદાવાદ આવ્યા હોવાનું કારણ દર્શાવ્યું છે. આરોપીઓ પૈકી અશોક સાહુને હોટેલ લવાયો હતો અને ત્રણ કલાક સુધી સ્ટાફના નિવેદનો લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...