- કચ્છ-ભૂજ જિલ્લાના અધિકારી સામે એસીબીએ 2005માં ગુનો દાખલ કર્યો હતો
- કોર્ટે રૂ.1 લાખ દંડ ફટકાર્યો, લાંચ કેસમાં સર્ચ દરમિયાન જંગી મિલકતો પકડાઈ હતી
અમદાવાદ: કચ્છ-ભૂજ જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી વર્ગ-1 સામે અપ્રમાણસર સંપતિ ધરાવવા બદલ એસીબીએ 2005માં દાખલ કરેલા ગુનાનો કેસ ચાલી જતા કોર્ટે 14 વર્ષની કાનુની પ્રક્રિયા બાદ તેમને બે વર્ષની કેદ અને એક લાખના દંડની સજા ફટકારી છે. જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની કેદનો કોર્ટે હુકમ કર્યો છે. દોઢ દાયકા બાદ આવેલો ચુકાદો ચર્ચાસ્પદ બન્યો હતો.
14 વર્ષથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો
1.મળેલી બાતમીના આધારે વર્ષ 2005માં એસીબીની ટીમે કચ્છ ભુજના ભુસ્તર શાસ્ત્રી (ખાણ-ખનીજ વિભાગ વર્ગ-1 અધિકારી) એમ.વી. મેવાડા અને એક મહિલા ઉષાબેન ઠકકરને ભુજમાં રેતીના ખનન માટેની પરમીશન આપવા માટે લાંચની માંગણી કરવાના કેસમાં પકડયા હતા. આ કેસની વધુ તપાસ દરમિયાન એસીબીની ટીમે ભુસ્તર શાસ્ત્રી એમ.વી.મેવાડાના નિવાસસ્થાને સર્ચ કરી હતી જેમાં તેમના ઘરમાંથી જમીનો અને મકાનોના દસ્તાવેજો મળી આવ્યા હતા જે તેમની કાયદેસરની આવક કરતા વધુ કિંમતના હોઈ તેમની પુછપરછ કરતા તેઓ સંતોષકારક જવાબ ન આપી શકતા તેમની સામે અપ્રમાણસર મિલ્કતનો નવેસરથી અલગ ગુનો દાખલ કર્યો હતો.
2.આ કેસ ભુજના એસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયો હતો. જે કેસ છેલ્લા 14 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. અંતે 30 જાન્યુઆરીએ કોર્ટે એમ.વી. મેવાડાને આ કસૂરવાર ઠેરવી 2 વર્ષની કેદની સજા કરી હતી.
ભૂસ્તરશાસ્ત્રીના ઘરમાંથી મળેલા રૂપિયા કોર્ટે ખાલસા કર્યા
3.એસીબીની ટીમે જે તે સમયે કરેલા સર્ચ ઓપરેશનમાં ભુસ્તર શાસ્ત્રી મેવાડાના ઘરમાંથી મળી આવેલા રોકડા રૂા. 12,18000 કોર્ટે સરકાર ખાતે ખાલસા કરવાનો પણ હુકમ કર્યો હતો.
કોર્ટે સજા કરી, બીજા દિવસે નિવૃત્ત
4.ખાણ અને ખનીજ વિભાગના વર્ગ-1 અધિકારી એમ.વી.મેવાડાની સામે કેસ ચાલતો હતો જેનો 14 વર્ષ પછી તા.30 જાન્યુઆરીના રોજ ચુકાદો આવતા તેમને બે વર્ષની સજા તથા રૂા. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચુકાદાના બીજા દિવસે એટલે કે તા. 31 જાન્યુઆરીના રોજ મેવાડા ફરજમાંથી વયમર્યાદાના કારણે નિવૃત થયા હતા.