*રીક્ષા એસો.ના દાવા પ્રમાણે તો અમદાવાદમાં 2 લાખ રીક્ષા દોડે છે, પાર્કિંગ માટે વધુ જગ્યાની માંગણી
*10મીએ રીક્ષા એસો. લાલદરવાજા ખાતે રેલી કાઢશે, 22મીએ રીક્ષા હડતાળનું પણ શસ્ત્ર ઉગામશે
અમદાવાદઃ શહેર પોલીસ આડેધડ થતાં રીક્ષાઓના પાર્કિંગ અંગે સક્રિય બની આજે જ 3020 નવા રીક્ષા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી છે પણ તંત્રથી કંઈક કાચું કપાઈ ગયું છે. શહેર પોલીસના ચોપડે 50 હજાર રીક્ષાઓ બોલે છે અને પાર્કિંગની ફાવળણીમાં માત્ર 19 હજાર રીક્ષાઓ પાર્ક થઈ શકે તેવી જ વ્યવસ્થા કરાઈ છે. પોલીસ કમિશનર એ કે સિંઘે હંગામી જાહેરાત કરી છે કે શહેરમાં પાર્કિંગ માટે 3020 રીક્ષા સ્ટેન્ડ બનશે. જેમાં વધુમાં વધુ 20 રીક્ષાઓ પાર્ક કરીએ તો કુલ મળી 19320 રીક્ષાઓ પાર્ક થઈ શકે. જોકે રીક્ષા એસોસિયેશન પણ આ નિર્ણય અંગે પોલીસ તંત્રના વિરોધમાં છે અને હડતાળ કરવાની પણ ચીમકી આપી છે.
એસોસિયેશન કહે છે રીક્ષા સ્ટેન્ડ અમને અંધારામાં રાખી નક્કી કર્યા
અમદાવાદ ઓટોરિક્ષાચાલક ન્યાય સમિતિના પ્રમુખ રાજ શિરકેએ જણાવ્યું હતું કે પોલીસ કમિશનરે જાહેર કરેલા રીક્ષા સ્ટેન્ડ અપૂરતાં છે. ઉપરાંત રીક્ષા સ્ટેન્ડ નક્કી કરતી વખતે અમને સાથે રાખ્યા હતા પરંતુ અધવચ્ચેથી જે તે ટ્રાફિક પોલીસના PIને આ સ્ટેન્ડ નક્કી કરવાની જવાબદારી આપી અમને બહાર કરી દીધા.
શહેરમાં રીક્ષાના આડેધડ પાર્કિંગ સામે પોલીસના કડક નિયમો
- માત્ર લાયસન્સ અને રિક્ષાનો બેજ (બિલ્લો) ધરાવતા રિક્ષાચાલકો જ સ્ટેન્ડ પર ઉભા રહી શકશે
- એક રીક્ષા બે કલાકથી વધુ સ્ટેન્ડ પર ઉભી નહિ રહી શકે
- રીક્ષા સ્ટેન્ડ સિવાય રિક્ષા ઉભી રાખશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે
- જાહેરનામા સામે વિરોધ હોય તો 30 દિવસમાં ACP ટ્રાફિક શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ખાતે વાંધો રજૂ કરી શકાશે
- જાહેરનામાને લગતાં સૂચક બોર્ડ મુકવા મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચના પણ અપાઈ છે
ભવિષ્યમાં રીક્ષા સ્ટેન્ડ વધારવામાં આવશે: DCP અક્ષયરાજ મકવાણા
રીક્ષા ચાલક એસોસિએશનના વિરોધ મામલે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ DivyaBhaskar. comને જણાવ્યુ હતું કે અગાઉ 640 રીક્ષા સ્ટેન્ડ હતા જે વધારીને 3020 કર્યા છે. ભવિષ્યમાં જગ્યા મળશે તેમ સ્ટેન્ડ વધારવામાં આવશે.