બોર્ડની પરીક્ષામાં મોબાઇલ, કેલક્યુલેટર સાથે વિદ્યાર્થી પકડાય તો સીધો પોલીસ કેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધો.10-12માં ગેરરીતિ ટાળવા લેવાયેલો નિર્ણય
  • દોષિત વિદ્યાર્થીને ત્રણ વર્ષ પરીક્ષામાં પણ નહીં બેસવા દેવામાં આવે

અનિરુદ્ધસિંહ પરમાર, અમદાવાદઃ ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડે માર્ચ-2019ની પરીક્ષામાં ગેરરીતિ રોકવા પરીક્ષાખંડમાં વિદ્યાર્થી મોબાઇલ અથવા અન્ય વિજાણુ ઉપકરણ સાથે પકડાય તો પોલીસ કેસ કરવાનો નિર્ણય કર્યો છે. દોષી વિદ્યાર્થીને ચાલુ વર્ષની સાથે આવનારા બે વર્ષ માટે પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે. બોર્ડ દ્વારા ચોરી કરનારા સામે પોલીસ કેસના નિયમને આ વર્ષથી લાગુ કરવામાં આવશે. આ પહેલા વિદ્યાર્થી પાસેથી મોબાઇલ કે અન્ય ઉપકરણો પકડાતા હતા તો  કોપી કેસ કરવામાં આવતો હતો. પરંતુ મોટાભાગના કિસ્સામાં સ્થળ સંચાલક પોલીસ કેસ કરવાનું ટાળતા હતા. બોર્ડ દ્વારા હવે નિયમ બનાવાતા દરેક સ્થળ સંચાલકે ફરજિયાત પોલીસ કેસ કરવો પડશે.

1) નિયમનો પ્રથમ વખત અમલ

વિદ્યાર્થી વર્ગખંડમાં પરીક્ષા શરૂ થવાના પહેલા પ્રશ્નપત્ર વોટ્સએપ, ઇ-મેલ કે અન્ય માધ્યમો દ્વારા પરીક્ષાખંડની બહાર મોકલશે તો તેની સામે પણ પોલીસકેસ કરવામાં આવશે. સાથે જ આ કિસ્સામાં પણ ત્રણ વર્ષ સુધી બોર્ડની પરીક્ષામાં ગેરલાયક ઠેરવવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)બોર્ડમાં મોબાઇલ અથવા કોઇ વિજાણુ ઉપકરણ સાથે પકડાયેલા વિદ્યાર્થી સામે પણ પોલીસ કેસ કરવામાં આવે છે. જ્યારે કે પાંચ વર્ષ માટે પરીક્ષામાંથી બે-દખલ કરવામાં આવે છે. જેની સામે ગુજરાત બોર્ડમાં દોષી વિદ્યાર્થીને ત્રણ વર્ષ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. જોકે ગુજરાત બોર્ડે પોલીસ ફરિયાદનો નિર્ણય પ્રથમ વખત જ લીધો છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોર્ડની પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આસપાસ 188ની કલમ લગાવવામાં આવે છે. પરીક્ષા દરમિયાન જાહેરનામાના ભંગની જ કલમ લગાવવામાં આવશે, આ નિયમમાં સ્થળ સંચાલક જ ફરિયાદી બનશે. સાથે જ બોર્ડ દ્વારા કોપી કેસ પણ નોંધાશે.