એક્સક્લુઝિવ/ ગુજરાતી નવલકથાકાર ધ્રુવ ભટ્ટ લિખિત 'તિમિરપંથી' પરથી હિન્દી ફિલ્મ બનશે: અમદાવાદના દક્ષિણ બજરંગે દિગ્દર્શક

Divyabhaskar.com

Dec 09, 2018, 12:44 PM IST
Gujarati novel from the 'timirapanthi make a Hindi film

* ગુજરાતી સાહિત્યકાર ધ્રુવ ભટ્ટની નોવેલ ‘તિમિરપંથી’ પરથી સિંગાપોરના પ્રોડક્શન હાઉસે હિન્દી ફિલ્મ એનાઉન્સ કરી

* ફિલ્મના દિગ્દર્શક દક્ષિણ બજરંગે અગાઉ ‘સમીર’ નામની હિન્દી ફિલ્મનું દિગ્દર્શન કરી ચૂક્યા છે


શૈલેન્દ્ર વાઘેલા, અમદાવાદઃ ગુજરાતી નવલકથા ‘તિમિરપંથી’ પરથી હિન્દી ફિલ્મ બનવા જઈ રહી છે. સિંગાપોરના પ્રોડક્શન હાઉસ અરોરા મીડિયા અને દર્પણ ગ્લોબલ દ્વારા તાજેતરમાં સિંગાપોર ખાતે યોજાયેલા સાઉથ-ઈસ્ટ એશિયા મીડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મ અંગેની એનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. અમદાવાદના જ ફિલ્મ દિગ્દર્શક દક્ષિણ બજરંગે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. દક્ષિણ સાથે થયેલી વાત મુજબ આ ફિલ્મનું કાસ્ટિંગ આવનારા એક-બે મહિનામાં ફાઈનલ થઈ જશે અને 2019ના ત્રીજા ક્વાર્ટરમાં ફિલ્મ ફ્લોર પર જશે. દક્ષિણે અમદાવાદના બોંબ બ્લાસ્ટના બેકડ્રોપ પર બનાવેલી હિન્દી ફિલ્મ ‘સમીર’ ગયા વર્ષે જ રિલીઝ થઈ હતી.

'તિમિરપંથી'માં ચોરી પર જીવતા સમાજની વાત

'તિમિરપંથી' પરથી બનનારી ફિલ્મ અંગે વાત કરતાં દક્ષિણ બજરંગેએ કહ્યું કે, આ નોવેલ મારા દિલની બહુ નજીક એટલા માટે છે કારણ કે જ્યારે ધ્રુવદાદા આ નોવેલ લખી રહ્યા હતા ત્યારે મારા સંપર્કમાં આવ્યા હતા અને અમારા એટલે કે છારા સમાજના રીતરિવાજો મારી પાસેથી જાણ્યા હતા. ત્યારપછી જ્યારે નોવેલ લખાઈને મારા હાથમાં આવી અને મેં વાંચી તો સરપ્રાઈઝ થઈ ગયો કે ધ્રુવદાદાએ સહેજપણ અગ્રેસિવ થયા વગર અમારી વાતોને વાચા આપી છે. ત્યારથી જ મારા મનમાં એના પરથી ફિલ્મ બનાવવાનો વિચાર જાગ્યો હતો, જે હવે ટૂંક સમયમાં સાકાર થવા જઈ રહ્યો છે.

ગુજરાતી નોવેલ (પ્રાદેશિક) પરથી હિન્દી ફિલ્મ (રાષ્ટ્રીય)ની સિંગાપોર (આંતરરાષ્ટ્રીય)માં જાહેરાત

દક્ષિણના જણાવ્યા પ્રમાણે, એકચ્યુઅલી મેં 'તિમિરપંથી' પરથી ફિલ્મ બનાવવાના રાઈટ્સ મેળવેલા તે આ 30 ડિસેમ્બરે પૂરા થઈ રહ્યા હતા. મારે એક બીજા પ્રોજેક્ટ માટે દર્પણ ગ્લોબલના એમ્બેસેડર શ્રેયાસી સેન સાથે વાત ચાલી રહી હતી, વાતવાતમાં મેં તેમને 'તિમિરપંથી'ની વાત કરી. તેમને સબ્જેક્ટ બહુ જ ગમી ગયો. તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટ સાથેની પ્રપોઝલ માગી. મારી પાસે સ્ક્રિપ્ટ તો રેડી જ હતી એટલે મેં મોકલી આપી. તેમને બહુ જ ગમી ગઈ અને માત્ર બે જ દિવસમાં કોન્ટ્રાક્ટ સાઈન કરીને સિંગોપારમાં ચાલી રહેલા સાઉથ-ઈસ્ટ મીડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું એનાઉન્સમેન્ટ કરી દીધું. કદાચ આ પહેલી એવી ગુજરાતી (પ્રાદેશિક) નોવેલ હશે, જેના પરથી બની રહેલી હિન્દી ફિલ્મ (રાષ્ટ્રીય)ની જાહેરાત સિંગાપોરમાંં આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પરથી થઈ છે.

હું ફિલ્મના કામમાં માથું નહીં મારું: ધ્રુવ ભટ્ટ

‘તિમિરપંથી’ નવલકથા મારા સર્જનોમાં મારી બહુ નજીક છે, કારણ કે તેમાંના ઘણા પાત્રોને હું મળ્યો છું, તેમની સાથે દંગા(એક પ્રકારના અસ્થાયી નિવાસ)ઓમાં રહ્યો છું. તેના પરથી દક્ષિણભાઈ ફિલ્મ બનાવે તે ગમે તેવી જ વાત છે. હું જ્યારે તિમિરપંથી લખતો હતો ત્યારે મને કોઈ કહેવા નહોતું આવ્યું કે આમ લખો કે તેમ લખો એટલે જ્યારે હવે તેના પરથી ફિલ્મ બને છે ત્યારે હું પણ કોઈને કહેવા નહીં જાઉં કે આમ ફિલ્મ બનાવો. આમ હું ફિલ્મના કામમાં સહેજપણ માથું નહીં મારું. બાકી તો આપણી વાત આ રીતે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ થકી વધુ લોકો સુધી પહોંંચે તેનો આનંદ જ હોય ને.

ગુજરાતી નોવેલ પરથી અગાઉ બનેલી નોંધપાત્ર હિન્દી ફિલ્મ ‘સરસ્વતીચંદ્ર


અગાઉ ગુજરાતી નવલકથા પરથી કોઈ નોંધપાત્ર હિન્દી ફિલ્મ બની હોય તો તે છે ‘સરસ્વતીચંદ્ર’. ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર ગોર્વધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ પરથી 1968માંં તે જ નામની ગોવિંદ સરૈયા નામના દિગ્દર્શકે હિન્દી ફિલ્મ બનાવી હતી, જેમાં તે જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી નૂતને અભિનય કર્યો હતો. આ ફિલ્મના ગીતો મૈં તો ભૂલ ચલી બાબુલ કા દેશ..., ચંદન સા બદન..., છોડ દે સારી દુનિયા કિસી કે લિયે..., ફૂલ તુ્મ્હે ભેજા હૈ ખત મેં... ખૂબ જ લોકપ્રિય થયા હતા. સંગીતકાર કલ્યાણજી-આણંદજીને આ ફિલ્મમાં સંગીત આપવા માટે નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

X
Gujarati novel from the 'timirapanthi make a Hindi film
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી