Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Aangadiya's workers were robbed in Ahmedabad-Palanpur ST bus

લૂંટ/ મહેસાણા પાસે એસટી હાઇજેક કરી લાખોની આંગડિયા લૂંટ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 02:49 AM

પાલનપુર-અમદાવાદ એસટીના ચાલકને રિવોલ્વર બતાવી વોટરપાર્ક પાસે રોકાવી

 • Aangadiya's workers were robbed in Ahmedabad-Palanpur ST bus

  *એચ.પ્રવિણચંદ્ર, જયંતી સોમા, વસંત અંબાલાલ આંગડિયાના કર્મી લુંટાયા

  *70થી 80 લાખ રોકડ રકમ અને હીરા ભરેલા 4 થેલા લૂંટી 9 લુટારા ભાગ્યા

  મહેસાણા: મહેસાણા-અમદાવાદ હાઇવે પર વોટરપાર્ક પાસે ગુરુવારે સાંજે પાલનપુર-અમદાવાદ એસટી બસમાં બેઠેલા 9 લુટારુઓએ ડ્રાઇવરના લમણે રિવોલ્વર તાકી બસ હાઇજેક કરી લીધી હતી અને લાઇટો બંધ કરાવી મેક્કેઇન કંપની સામે રોડ સાઇડે ઊભી રખાવી બસમાં મુસાફરી કરી રહેલા અેચ. પ્રવિણચંદ્ર, જયંતી સોમા અને વસંત અંબાલાલ આંગડિયા પેઢીના કર્મીઓ પાસેથી 70થી 80 લાખની રોકડ અને લાખોના હીરા ભરેલા 4 થેલાની દિલધડક લૂંટ કરી બસમાંથી ઊતરી ભાગી ગયા હતા. આ ઘટનાને લઇ મુસાફરો ગભરાઇ ગયા હતા. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી લુટારુઓને પકડવા હાઇવે ટોલનાકાના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી હતી. મોડી રાતે તપાસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ હતી.

  જિલ્લાભરમાં નાકાબંધી, સ્થાનિક પોલીસ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ જોડાઇ, લુટારૂ ઉનાવાથી બેઠા હતા

  મહેસાણા હાઇવે પર વોટરપાર્ક નજીક સાંજે 6.15 વાગે પસાર થઇ રહેલી ઊંઝા ડેપો સંચાલિત પાલનપુર-અમદાવાદ એસટી બસ (જીજે 18 ઝેડ 4335)માં હથિયાર સાથે બેઠેલા લુટારુઓ પૈકી એકે ડ્રાઇવરના લમણે રિવોલ્વર જેવું હથિયાર ધરી બસને રોડની સાઇડે ઉભી રખાવી હતી. અગાઉથી બનાવેલા પ્લાન મુજબ લુટારુઓએ બસમાં વચ્ચેની સીટમાં બેઠેલા એચ. પ્રવિણચંદ્ર, જયંતી સોમા અને વસંત અંબાલાલ એમ ત્રણ આંગડિયા પેઢીઓના કર્મીઓને માર મારી બળજબરી પૂર્વક તેમના હાથમાંથી હીરા ભરેલા 4 થેલા ઝુંટવી ભાગી ગયા હતા. જેને પગલે મુસાફરોમાં ગભરાટનો માહોલ ખડો થયો હતો.

  આંગડિયા પેઢીના કર્મચારીઓ ડીસાથી અમદાવાદ પાર્સલ લઈને નીકળ્યા હતા

  બસમાં મુસાફરી કરી રહેલા યુવાને તેના નિવૃત પીએસઆઇ પિતા પી.એસ. મકવાણાને ઘટનાની જાણ કરતાં જ તેમણે તાત્કાલિક જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં આંગડિયા લૂંટનો મેસેજ આપ્યો હતો. ઘટનાને પગલે પોલીસ કંટ્રોલરૂમના ઇન્ચાર્જે જિલ્લાભરમાં નાકાબંધી કરાવી પોલીસને સ્ટેન્ડ ટુ કરી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ લુંટાયેલા આંગડિયાકર્મીઓ પાસેથી લૂંટ સંબંધે હકીકત એકઠી કરી તપાસ લંબાવી હતી.આંગડિયા કર્મચારીઓ ડીસાથી બેઠા હતા અને અમદાવાદ નિત્યક્રમ મુજબ આંગડિયું આપવા નીકળ્યા હતા.મોડી રાતે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,આંગડિયા કર્મીઓની હકીકત મુજબ વેરીફીકેશન હાથ ધરાયું છે. તપાસમાં મહેસાણા એલસીબી, એસઓજી, લાંઘણજ, નંદાસણ તેમજ અમદાવાદ સિટી ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ જોડાઇ હતી.

  એસટી ડ્રાઇવરના લમણે હથિયાર મૂકી બસની લાઇટો બંધ કરાવી દીધી

  વોટરપાર્કથી કેટલેક દૂર પહોંચ્યા હતા ત્યાં જ 7 થી 8 વ્યક્તિઓ બસમાં સીટ પરથી ઉભા થઇ ગયા હતા. તે પૈકીના એકે ડ્રાઇવરના લમણે રિવોલ્વર જેવું હથિયાર મૂકી બસની લાઇટો બંધ કરાવી બસને રોડની સાઇડમાં ઉભી રખાવી હતી. આ સમયે આંગડિયા કર્મીઓનો બૂમો પાડવાનો અવાજ માત્ર સાંભળવા મળ્યો હતો. આંગડિયા કર્મીઓએ તે સમયે કહેલ કે, અમારી પાસેના થેલા લઇને ભાગી ગયા. - ચિરાગ રમેશભાઇ, મુસાફર

  લૂંટ કરતાં પહેલાં રેકી કરાયાની શક્યતા

  એસટી બસમાં મુસાફરોની હાજરીમાં દિલધડક લૂંટ આચરનાર લુટારુઓ ઉનાવાથી બેઠા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પ્રાથમિક તબક્કે મેવડ ટોલનાકાના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી લુટારુઓ કયા વાહનમાં ભાગ્યા તેની હકીકત મેળવવાની દિશામાં તપાસ લંબાવી છે. લૂંટને અંજામ આપતાં પહેલાં રેકી કરાઇ હોવાનું મનાય છે.

  મહેસાણા તરફ ગામડાના માર્ગે ભાગ્યાની પોલીસને આશંકા

  બસમાંથી અંદાજે એકાદ કરોડની માલમત્તા લૂંટી લુટારુઓ મહેસાણા તરફ ભાગ્યા હતા. તેઓ આજુબાજુના ગામડાના રસ્તેમાંથી ભાગ્યા હોઇ સ્થાનિક રસ્તાઓથી પૂરા જાણકાર હોઇ શકે છે, જે આધારે પોલીસે રાત્રે દોડદોડ શરૂ કરી હતી.

  ST બસમાં કંઇ ફેંકતાં મુસાફરો ગભરાઇ ગયા

  આંગડિયા કર્મીઓને લૂંટીને ભાગેલા લુટારુઓએ એસટી બસમાં કંઇક ફેંક્યું હતું. જેનો બસમાં અવાજ આવતાં મુસાફરો બોંબ મુકાયાની શંકાથી બસમાંથી ઉતરી ગયા હતા અને જે પણ વાહન મળે તેમાં બેસીને ભાગતા જોવા મળ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ