તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચાકાકાની એ ટેક ભારતભરમાં અદ્ધિતીય રહેશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં દાંડી યાત્રાની 90મી વર્ષગાંઠના દિવસો ચાલી રહ્યા છે. હરિજનબંધુના એક અંકમાં ગાંધીજીએ વિશેષ ઉલ્લેખ કરી લખ્યું હતું કે પાંચાકાકાની એ ટેક ભારતભરમાં અદ્ધિતીય રહેશે. પાંચાકાકા અને ભારતની આઝાદીને સીધો સંબંધ છે. કરાડીના પાંચાકાકા ગાંધીજીના રંગે રંગાયેલા હતા અને તેમનું જીવન ગાંધીના વિચારોમય હતું અને ધ્યેય પણ એક જ હતો. ભારતની આઝાદી. મહાત્મા ગાંધીનો પ્રભાવ એક ભારતીયના મન પર કેવો હતો તેનું ઉત્તમ ઉદાહરણ એટલે પાંચાકાકા. પાંચાકાકા પટેલ. ગાંધીના અનુયાયી પટેલ એટલે તેમની પાસે જમીન મિલકત પણ સારા પ્રમાણમાં. તેમણે ગાંધીજીના કહેણથી દાંડી સત્યાગ્રહમાં ઝુકાવી દીધું હતું. દાંડીયાત્રાના 24મા દિવસે ગાંધીજી પાંચાકાકાની વાડીમાં રોકાયા હતા. પાંચાકાકાના આ પગલાંથી બ્રિટીશ સરકાર તેમનાથી નારાજ થઈ ગઈ હતી અને કરાડી ગામે આવેલી પાંચાકાકાની તમામ માલમિલકત સરકારે જ કરી લીધી હતી. પોલીસે તેમને જણાવ્યું હતું કે હવે તમારી પાસે જમીનનો એક નાનકડો ટુકડો પણ નથી. તમારું ઘર પણ હવે તમારું નથી. ત્યારે પાંચાકાકાએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કહ્યું હતું કે જ્યાં સુધી મારા દેશને આઝાદી નહીં મળે ત્યાં સુધી હું મારી કોઈ પણ માલ માલમિલકત તમારી પાસેથી પાછી માગીશ નહીં. ૧૯૨૧માં તેમણે સોગંધ લીધા હતા કે જ્યાં સુધી સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી જમીન મહેસુલ નહીં ભરું.એમની કલ્પના હતી કે સ્વરાજ્ય એટલે ગાંધીજીનું રામરાજ્ય.

૧૯૩૭માં કોગ્રેસની સરકાર બોમ્બે પ્રેસીડન્સીમાં રચાઈ. બી.જી.ખેરની નિમણૂંક મુખ્ય પ્રધાન તરીકે થઈ. તેમણે પાંચાકાકાને સમાચાર મોકલાવ્યા કે અમે બ્રિટીશ સરકારે જ કરેલી તમારી તમામ મિલકત પરત આપવાનું વિચારીએ છીએ. પાંચાકાકાએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે માફ કરજો. હજી ગાંધીજીના સપનાંની સ્વતંત્રતા દેશને મળી નથી. હું મારા વચનથી જોડાયેલો છું. જ્યાં સુધી સમગ્ર દેશને તમામ પ્રકારની સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી હું મારી મિલકત પર કબજો ન મેળવી શકું. મને માફ કરજો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું. ફરીએકવાર પાંચાકાકાને સંદેશો ગયો. હવે તો ભારત આઝાદ છે. તમારી મિલકત પરત લઈ લો. તેમણે થોડો સમય માંગ્યો અને ગાંધીજીને પત્ર લખ્યો. પત્રમાં તેમણે ગાંધીજીને લખ્યું હતું કે શું આ આપના સપનાંની આઝાદી છે? શું તમે આ આઝાદી ઈચ્છતા હતા? ગાંધીજીએ જવાબમાં લખ્યું હતું કે કમનસીબે ના.

બાદમાં પાંચાકાકાએ સરકારને પત્ર લખી પોતાની મિલકત પરત નહીં લેવા જણાવી દીધું હતું. ભવિષ્યમાં પોતાના વંંશજો આ મિલકત પર દાવો કરે નહીં એ માટે તેમણે લગ્ન નહીં કરવાનો નિર્ધાર કર્યો હતો. આજે એ મિલકત પાંચાકાકાની વાડી તરીકે ઓળખાય છે.

દાંડીના રસ્તે આવતા કરાડીમાં આજે પણ આ તકતી છે

દાંડી યાત્રાનાં 90 વર્ષ | કરાડીના ગાંધીવાદીએ સ્વરાજ મળશે ત્યારે બ્રિટિશરોએ જપ્ત કરેલી મિલકત લઈશ એવી પ્રતિજ્ઞા લીધી હતી

પાંચાકાકા

સાચું સ્વરાજ મળશે તો જ મિલકત પાછી લઈશ એવી ટેક પાંચાકાકાએ લીધી પણ ગાંધીના સ્વપ્નનું સાચું સ્વરાજ મળ્યું નહીં એટલે તેમણે પોતાની સંપત્તિ ક્યારેય પરત લીધી નહોતી.

{ પત્રમાં તેમણે ગાંધીજીને લખ્યું હતું કે શું
આ આપના સપનાંની આઝાદી છે? શું તમે
આ આઝાદી ઈચ્છતા હતા? ગાંધીજીએ જવાબમાં લખ્યું હતું કે કમનસીબે ના.
અન્ય સમાચારો પણ છે...