ખરીદી માટે મોલમાં પડાપડી, દૂધની લાઈનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રવિવારે જનતા કર્ફ્યૂના અમલ પહેલાં લોકોમાં ગભરાટને કારણે શહેરભરના મોલ અને બજારોમાં ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી. જમાલપુર અને કાલુપુર શાકભાજી માર્કેટમાં લોકો રીતસર ઉમટી પડ્યા હતા. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદમાં દૂધનો લોકોએ સ્ટોક કરવા માંડતા બપોર સુધીમાં તો દૂધ ખલાસ થઈ ગયું હતું. સવારથી જ દૂધની ખરીદી માટે લાઈનો લાગી હતી. કેટલાક લોકોએ તો એકસાથે 10-10 થેલી દૂધ ખરીદી લીધું હતું. કેટલાક લોકોને દૂધ ન મળતાં તેમણે દૂધનો પાઉડર સ્ટોક કરી લીધો હતો. દૂધ સહિત જીવન જરૂરી ચીજોની અછત નહીં સર્જાવાની સરકારે ખાતરી આપી હોવા છતાં લોકોએ ગભરાટ ખરીદી કરી હતી.

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના આર.એસ. સોઢીએ જણાવ્યું હતું કે, દૂધનો પૂરતો સ્ટોક છે અને જોઈએ તેટલું મળી રહેશે. જો કે, સોશિયલ મીડિયામાં અમૂલના ચીલિંગ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા હોવાની અફવા ફેલાતા લોકોએ પડાપડી કરી હતી.

કાલુપુર ચોખા બજારના પ્રમુખ હરિશભાઈના જણાવ્યા અનુસાર, એક જ દિવસમાં અનાજ બજારમાંથી રોજ કરતાં 35થી 40 ટકા વધારે વેચાણ થયું હતું.

અનાજ બજારમાં 40 ટકા વધુ વેચાણ, શાકભાજી બજારમાં પણ લોકો ઉમટ્યા

જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત સર્જાવાના ભયે લોકો બજારોમાં દોડ્યા

સામટી ખરીદીથી ઘરનું બજેટ ખોરવાયું

અમદાવાદ | કોરોનાથી સર્જાયેલી પરિસ્થિતિને લીધે નજીકના ભવિષ્યમાં જીવનજરૂરી વસ્તુઓની તંગી ઊભી થવાના ભયે લોકોએ એક સામટી ખરીદી કરી લેતાં આખા મહિનાનું બજેટ ખોરવાઈ ગયું છે. શુક્રવારથી અનાજ અને કરિયાણા બજારમાં લોકોની લાઈનો લાગી હતી. લોકોએ જરૂર કરતાં વધુ સ્ટોક ખરીદી લીધો હતો. કેટલાક લોકોએ તો બે-ત્રણ મહિના ચાલે તેટલું અનાજ-કઠોળ અને કરિયાણું ખરીદી લેતાં માસિક ખર્ચનું બજેટ ખોરવાઈ ગયું હતું. આ ઉપરાંત મેડિકલ સ્ટોર પર પણ લોકોએ ધસારો કર્યો હતો.

દૂધ માટે લોકો રોડ પર વાહનો મૂકી લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. જ્યારે જમાલપુર શાકમાર્કેટમાં ભારે ભીડ જોવા મળી હતી.
અન્ય સમાચારો પણ છે...